કબડ્ડી, રસ્સાખેચ, વોલીબોલ અને ૧૦૦ મીટર દોડ સ્પર્ધાના વિજેતાઓને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીના હસ્તે ઇનામ અપાયા: કબડ્ડીમાં ટ્રાફિક બ્રાન્ચ, રસ્સાખેચમાં ક્રાઇમ બ્રાન્ચે મેદાન માર્યુ: પોલીસના સ્વાસ્થય અને મનોરંજનના ઉદેશથી યોજાયો ખેલ મહોત્સવ
રજાના દિવસોમાં પણ ફરજ પર હાજર રહી પરિવારથી દુર રહેતા પોલીસ સ્ટાફ સખત તનાવ અને માનસિક થાક અનુભવતા હોવાથી પોલીસ સ્ટાફના સ્વાસ્થય અને મનોરંજનના ઉદેશ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસની અલગ અલગ ટીમ બનાવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. ખેલ મહોત્સવના ગઇકાલે સમાપન સમારંભમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીના હસ્તે વિજેતાઓને ઇનામ આપી પ્રોહત્સાહીત કરાયા હતા.
પોલીસ હેડ કવાર્ટર ખાતે રસાખેચ, કબડ્ડી, વોલીબોલ અને ૧૦૦મીટર દોડની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ હેડ કવાર્ટર, એસીપી, ટ્રાફિક, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ મથકના સ્ટાફે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
છેલ્લા એકાદ માસથી ચાલતા ખેલ મહોત્સવનું ગઇકાલે સમાપન સમારંભ સાથે ફાઇનલ મેચ રમાયા હતા. ટ્રાફિક બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વચ્ચે કબડ્ડીનો ફાઇનલ રમાયો હતો. બંને ટીમ પોલીસમેન ખેલાડીઓ વચ્ચે જબરજસ્ત ઉતેજના પૂર્ણ મેચ રહ્યો હતો. છેલ્લી સેકન્ડે ટ્રાફિક બ્રાન્ચની ટીમ વિજેતા બની હતી. ટ્રાફિક બ્રાન્ચની ટીમમાં ભાનુશંકર શાંતિલાલ, મુકેશભાઇ પાલ, કૃણાલસિંહ ઝાલા, વિશાલ દવે, પંકજભાઇ માળી, ચિરાગસિંહ ગોહિલ, વિશાલભાઇ બસીયા, ચાપરાજભાઇ અને કનુભાઇ ભમ્મર ભાગ લીધો હતો.
જયારે પોલીસ હેડ કવાર્ટર અને ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે રસાખેચ સ્પર્ધા યોજાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવીની ટીમે રસાખેચની સ્પર્ધામાં વિજેતા બની હતી. પી.આઇ. એચ.એમ.ગઢવીની ટીમમાં ભરતભાઇ વાઘેલા, ભરતભાઇ વનાણી, અમૃતભાઇ મકવાણા, અભિજીતસિંહ, રઘુભા વાળા, ક્રિપાલસિંહ જાડેજા, જયદીપસિંહ રાણા, સમીરભાઇ અને જયસુખભાઇ હુંબલે ભાગ લીધો હતો.
૧૦૦ મીટર દોડમાં અલગ અલગ પોલીસ મથકના છ પુરૂષ અને છ મહિલા પોલીસ ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો. વોલીબોલમાં ફાઇનલ મેચ એસીપી ઇસ્ટ અને એસીપી ટ્રાફિકની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો. ટ્રાફિક બ્રાન્ચના એસીપીની ટીમ વિજેતા બની છે.
પોલીસની અછત અને કામના ભારણના કારણે તનાવ અનુભવતા પોલીસ સ્ટાફે ખેલ મહોત્સવના કારણે હળવાશની પળો સાથે માનસિક પ્રફુલિતતા અનુભવી હતી અને સ્વાસ્થય સારૂ રહે તે હેતુસર ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનુ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.