સંગીતના નવા કોર્ષમાં ૬ વર્ષથી માંડીને ૬૦ વર્ષ સુધીના સંગીત પ્રેમીઓને આવરી લેવામાં આવશે
રાષ્ટ્રીયશાળા સંચાલિત સંગીત મહાવિદ્યાલય છેલ્લા ૮૮ વર્ષથી કાર્યરત છે. સાથો સાથ ઈન્ટરનેશનલ સંસ્થા અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ-મીરજ સાથે સંલગ્ન છે તથા વર્ષમાં બે-વાર પ્રારંભિકથી લઈને વિશારદપૂર્ણ સુધીનું પરીક્ષા સેન્ટર છે. આજ સુધીમાં ઘણા બધા સંગીત તજજ્ઞો અત્રેની મુલાકાતે આવી ગયેલ છે.
ગાંધીજી સ્થાપિત રાષ્ટ્રીયશાળા પરિસરમાં આવેલ સંગીત વિદ્યાલયમાં અત્યાર સુધી નવા ઈન્સ્ટુમેન્ટ ખામી હતી. જે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટનાં પ્રયાસોથી રાજકોટનાં પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન લાભુભાઈ આહિરનાં આર્થિક સહયોગથી નવા ઈન્સ્ટુમેન્ટ આવેલ છે.
જેમાં કિબોર્ડ, ગીટર, હાર્મોનિયમ, તબલા વિગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સમારોહમાં હાજર રહેલ રાજકોટનાં જાણીતા આગેવાન લોહાણા સમાજનાં પ્રમુખ અને બિલ્ડર રાજુભાઈ પોબા‚એ પણ રાષ્ટ્રીયશાળા ટ્રસ્ટને રૂ.૧,૫૧,૦૦૦/-નું દાન આપવાની જાહેરાત કરેલ. જાણીતા આર્કિટેકટ અને સામાજીક આગેવાન પ્રદિપભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહીને રાષ્ટ્રીયશાળાની પ્રવૃતિને બિરદાવી.
આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટે રાષ્ટ્રીયશાળા વિષે પરિચય આપેલ તેમજ હાલમાં ગાંધી સર્કિટ હેઠળ ચાલી રહેલ રીનોવેશન તેમજ પ્રોજેકટ અંગેની સવિસ્તાર માહિતી આપી હતી. ગાંધીજીની પાવન ભૂમિ પર ચાલી રહેલ સંગીત વિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીત, વોકલ, તબલા, કથ્થક નૃત્ય, ભરતનાટયમ વિગેરેનાં કલાસીસ કાર્યરત છે પરંતુ સમયની સાથોસાથ તાલ મિલાવીને કીબોર્ડ તેમજ ગીટર તથા ફલુઈટના વર્ગો પણ અઠવાડીયાની અંદર શરૂ થઈ રહ્યા છે. સાથોસાથ વેસ્ટર્ન વોકલ તેમજ વેસ્ટર્ન ડાન્સનાં વર્ગો પણ શરૂ થઈ રહ્યા છે. જેનો લાભ લેવા રાજકોટનાં ૬ વર્ષથી માંડીને મોટેરાઓને અનુરોધ છે.