લાઈન લોસ, પાણી ચોરી અને લીકેજના કારણે દૈનિક ૨૭ એમએલડી પાણીનો વેડફાટ
એક તરફ મહાપાલિકા શહેરીજનોને પાણી બચાવવા માટેની સુફીયાણી સલાહ આપી રહ્યું છે તો બીજી તરફ ખુદ કોર્પોરેશન જ પાણીનો બેફામ વેડફાટ કરી રહ્યું છે. કરકસરની વાતો માત્ર કાગળ પર જ શોભી રહી છે. શહેરના ત્રણેય ઝોનમાં ડિમાન્ડ કરતા વધુ પાણી વિતરણ થઈ રહ્યું છે. છતાં પાણીના વેડફાટને અટકાવવા માટે આજ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. લાઈન લોસ, પાણી ચોરી અને લીકેજના કારણે દૈનિક ૨૭ એમએલડી પાણી વેડાફાઈ રહ્યું છે.
શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવતા અલગ-અલગ છ પમ્પીંગ સ્ટેશન માટે દૈનિક ૧૦૬ એમએલડી પાણીની જરૂરીયાત રહેશે તેઓ ડિમાન્ડ રીપોર્ટ મુકવામાં આવ્યો છે. જેની સામે દૈનિક ૧૧૮.૨૨ એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનના અલગ-અલગ પાંચ પમ્પીંગ સ્ટેશનો પર પાણી વિતરણ માટે દૈનિક ૫૯ એમએલડી પાણીની આવશ્યકતા રહેશે તેવી ડિમાન્ડ છે છતાં દૈનિક ૬૫.૨૫ એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જયારે ઈસ્ટ ઝોનમાં આવતા અલગ-અલગ આઠ પમ્પીંગ સ્ટેશનો પર દૈનિક વિતરણ માટે ૭૫ એમએલડી પાણીની આવશ્યકતા રહે છે જેની સામે દૈનિક ૮૪ એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં નિયમિત ૨૦ મિનિટ પાણી આપવા ૨૪૦ એમએલડીની જરૂરીયાત છે જોકે લાઈન લોસ, પાણી ચોરી કે લીકેજના કારણે દૈનિક ૨૬૭.૪૪ એમએલડી જેટલું પાણી વિતરણ કરી દેવામાં આવે છે.