અટકાયત દ્વારા પાકિસ્તાનનું નાટક: ખરેખર આતંકવાદી હોય તો સજા આપો: ભારત
મુંબઈ હુમલામાં માસ્ટર માઈન્ડ એને જમાત ઉલ દાવા (જેડીયુ)નો વડો હાફીઝ સઈદ હાલ પાકિસ્તાનમાં નજરકેદ કરાયો છે. તેની વિરુઘ્ધ આતંકવાદી પ્રવૃતિ બદલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત પાકિસ્તાન દ્વારા હાફીઝ સઈદ જિહાદના નામે આતંકવાદ ફેલાવતો હોવાની કબુલાત કરવામાં આવી હતી.
ગઈકાલે હાફીઝને કોર્ટ દ્વારા રચાયેલ બોર્ડ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો જયાં તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સરકાર દ્વારા તેના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. હાફીઝ સઈદના આ દાવા બાદ પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી હતી કે હાફીઝ દેશમાં આતંક ફેલાવી રહ્યો હોવાથી તેને નજરકેદ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન સરકારે પોતાના જવાબમાં ફરી વખત એ બાબતનો સ્વિકાર કરવામાં આવ્યો હતો કે હાફીઝ સઈદ જેહાદના નામે આતંકવાદ ફેલાવી રહ્યો છે. હાફીઝ સઈદે મુંબઈમાં હુમલા કરાવ્યા હતા. તેમજ આ અંગેના પુરાવાઓ ભારતે પાકિસ્તાનને સોંપ્યા હોવા છતા પાકિસ્તાન એ માનવા તૈયાર નહોતું થયું પરંતુ અમેરિકાના દબાણ બાદ પાકિસ્તાને પોતાનો સુર બદલ્યો હતો તેમજ જાહેરમાં એ વાતની કબુલાત કરી હતી કે, હાફીઝ સઈદ આતંકવાદી છે. ઉલ્લેખનીય છે કે પંજાબ સરકાર દ્વારા હાફીઝ સઈદ સહિત પાંચ લોકોની અટકાયત કરીને તેને નજરકેદ કરી લેવામાં આવ્યો હતો. તેમજ તેની વિરુઘ્ધ આતંકવાદ વિરોધી કાયદાની કલમો લગાવવામાં આવી છે. ભારતે આ અંગે પ્રત્યુતર આપતા ઉમેર્યું હતું કે, હાફીઝની અટકાયત કરી પાકિસ્તાન નાટક કરી રહ્યું છે. ખરેખર આ મામલે પાકિસ્તાન ગંભીર હોય તો તેને સજા ફરમાવવામાં આવે.