એઈમ્સમાં ૧૫–૨૦ સુપરસ્પેશ્યાલીટી વિભાગો, ૭૫૦ હોસ્પિટલ બેડ રહેશે : પ્રતિદિન ૧૫૦૦ ઓપીડી અને ૧૦૦૦ આઈપીડી દર્દીઓને સારવાર મેળવી શકશે
ગુજરાતમાં પ્રથમ એઈમ્સ રાજકોટને મળી છે તેથી રાજયના લોકોમાં ખુબ જ ખુશીનો માહોલજોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રએ જમ્મુના સમ્બામાં અને કાશ્મીરના ફુલવામાં અને ગુજરાતના રાજકોટમાં એમ ત્રણ એઈમ્સને કેબિનેટે મંજુરી આપી છે. કેન્દ્ર સરકારના સ્ટેટમેન્ટ મુજબ ભારતમાં બનનારી ૩ નવી એઈમ્સને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં આવરી લેવામાં આવશે.
સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે, દેશમાં ત્રણ નવી એઈમ્સને મંજુરી આપવાનો હેતુ સ્વાસ્થ્યને લગતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓને પ્રોત્સાહન મળે તેમજ હેલ્થકેરમાં ગુણવતાભરી સર્વિસ, મેડિકલ શિક્ષણ, નર્સિંગ એજયુકેશન અને વિસ્તારમાં રિસર્ચ લેવલને વધારવા માટેનો છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના દ્વારા બનતી એઈમ્સમાં હોસ્પિટલો ટીચીંગ, મેડિકલ અને નર્સિંગ કોચ, રેસીડેન્શીયલ કોમ્પ્લેકસ, ટ્રાન્સપોર્ટ ફેસેલીટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના અંતર્ગત હાલ કુલ ૬ નવી એઈમ્સને મંજુરી આપવામાં આવી છે.
જમ્મુના સમ્બામાં બનતી એઈમ્સને સરકારનો ૪૮ મહિનાના સમય દરમિયાન તેની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે તો ફુલવામાં બનતી એઈમ્સ ૭૨ મહિનામાં તૈયાર થશે અને રાજકોટમાં બનનારી એઈમ્સ ૨૦૨૨ સુધીમાં ધમધમતી થશે. આમ રાજકોટની એઈમ્સ માટે સરકાર ૪૫ મહિનાની ડેટલાઈન રાખી છે.
તમામ એઈમ્સમાં ૧૦૦ એમબીબીએસ ડોકટરો અને ૬૦ બી.એસસી, નર્સિંગ સીટોની ફાળવણી કરવામાં આવશે. આ એઈમ્સમાં કુલ ૧૫ થી ૨૦ સુપર સ્પેશ્યાલીટી ડિપાર્ટમેન્ટો ઉભા કરવામાં આવશે. કેબિનેટે તમિલનાડુ અને તેલંગણામાં પણ બે નવી એઈમ્સને મંજુરી આપી છે. દરેક એઈમ્સમાં ૭૫૦ હોસ્પિટલ બેડ જેમાં ઈમરજન્સી ટ્રોમા બેડ, આયુસ બેડ, પ્રાઈવેડ બેડ અને આઈસીયુ સ્પેશ્યાલીટી તેમજ સુપર સ્પેશ્યાલીટી સુધીની આધુનિક મેડિકલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. નવી એઈમ્સમાં ૧૫૦૦ ઓપીડી પેશન્ટ એક જ દિવસમાં તપાસ કરાવી શકશે અને અંદાજે ૧૦૦૦ આઈપીડી દર્દીઓ એક મહિનામાં એઈમ્સનો લાભ લઈ શકશે. દરેક નવી એઈમ્સનું નિર્માણ માટેનો ભંડોળ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ઠાલવવામાં આવશે જેમાં મેઈન્ટેનન્સથી લઈ તમામ ખર્ચ માટે કેન્દ્ર સરકાર ભંડોળની ફાળવણી કરશે.