પતંગના ધંધાર્થીઓએ રેકડી, થડા અને પાથરણા પાથરી દેતા એસ્ટેટ શાખા ત્રાટકી: ત્રણ જ દિવસ મંજુરી આપવાના નિર્ણય સામે વેપારીઓમાં વિરોધ વંટોળ
ઉતરાયણના પર્વ દરમિયાન શહેરના મુખ્ય વિસ્તાર એવા સદર બજારમાં પતંગ બજાર ભરાતી હોય છે. ૮-૧૦ દિવસ સુધી અહીં ગરીબો ધંધો-રોજગાર કરી પેટીયુ રળતા હોય છે. કોર્પોરેશનના અધિકારીઓએ ગરીબોના પેટ પર લાત મારી છે.
પતંગના ધંધાર્થીઓએ રેકડી, થડા અને પાથરણા પાથરી દીધા હોય જેને હટાવવા માટે એસ્ટેટ શાખાનો કાફલો ત્રાટકતા ભારે માથાકુટ થવા પામી હતી. ધંધો કરવા માટે ત્રણ દિવસ જ મંજુરી આપવાના નિર્ણય સામે વિરોધ વંટોળ નિકળ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સદર બજારમાં ગઈકાલે રાત્રે પતંગના વેપારીઓએ દુકાનની બહાર થડા, રેકડીઓ અને પાથરણાઓ પાથરી દીધા હોય એક જાગૃત નાગરિક દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને ટેલીફોનિક ફરિયાદ કરવામાં આવતા એસ્ટેટ શાખા ગઈકાલે રાત્રે દબાણ દુર કરવા માટે ત્રાટકી હતી.
મંજુરી વગરના તો ઠીક જે લોકોએ મંજુરી લીધી હતી તેઓને પણ પાથરણા અને રેકડીઓ ઉઠાવી લેવાની તાકીદ કરતા જબરી માથાકુટ સર્જાય જવા પામી હતી. દરમિયાન મહાપાલિકાએ સદર બજારમાં આજથી ત્રણ દિવસ માટે વેપારીઓને પાટ પાથરણા રોડ પર રાખી ધંધો કરવાની મંજુરી આપવામાં આવશે તેવો નિર્ણય લેતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.