જિલ્લા સહકારી સંઘની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ૧૭ બેંકમાંથી ૧૬ બેઠકો ઉપર રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા જુથના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે.
સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને પોરબંદરના સાંસદ વિઠલભાઈ રાદડિયાએ છેલ્લા બે દાયકાથી રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્ર ઉપર જમાવેલું પ્રભુત્વ તેના પુત્ર જયેશભાઈ રાદડિયાએ પણ જાળવી રાખ્યું હોય તેમ એક પછી એક સહકારી સંસ્થાઓ ઉપર યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાનું જુથ વિજય મેળવી રહ્યું છે.
તાજેતરમાં ધોરાજી તાલુકા સહકારી ખરીદ-વેંચાણ સંઘ તથા જેતપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં હોદ્દેદારો તરીકે કેબીનેટ મંત્રી તથા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાના સમર્થકો બિનહરિફ ચૂંટાયા હતા. ત્યારબાદ રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પણ રાદડિયા જુથના ૧૬ ઉમેદવારો બિનહરિફ જાહેર થઈ જતા હવે એકમાત્ર રાજકોટની બેઠકની જ ચૂંટણી યોજાનાર છે.
જિલ્લા સંઘ જેવી મોટી સહકારી સંસ્થામાં રાજકારણ પ્રવેશે નહીં અને બિનરાજકીય ધોરણે સર્વ સંમતિથી ઉમેદવારો નકકી થાય તે માટે યુવા નેતા જયેશભાઈ રાદડિયાએ ભારે જહેમત ઉઠાવી તમામ જુથો સાથે બેઠકો યોજી હતી અંતે તેમના પ્રયાસોથી જિલ્લા સંગની ૧૭ માંથી ૧૬ બેઠકોમાં તેમના સમર્થકો બિનહરિફ ચૂંટાયેલ છે.