નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ કરાયો. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલ વિશે બપોરે 2 વાગે ચર્ચા શરૂ થશે. જોકે રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા સત્ર વધારવાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
12 વાગે ગૃહની શરૂઆત થતાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે રાજ્યસભામાં સવર્ણ અનામત બિલ રજૂ કર્યું હતું.
વિપક્ષના હોબાળા પછી ગૃહ 11.35 વાગે 25 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
રાજ્યસભાના નેતા અરુણજેટલીએ કહ્યું હતું કે, દેશ ઈચ્છે છે કે સંસદ ચાલે. એક મહત્વનો બિલ પસાર કરવા ગૃહનો એક દિવસ વધારવામાં આવ્યો છે. તો વિપક્ષે સરકારનો સાથ આપીને આ કામકાજ પૂરુ કરવામાં મદદ કરવી જોઈએ. રાજ્યસભાના અન્ય દિવસોમાં તો હોબાળાના કારણે કોઈ કામ થઈ શક્યું નથી પરંતુ જ્યારે હવે એક દિવસ વધારવામાં આવ્યો છે ત્યારે ગૃહમાં કામ થવું જોઈએ.