મરચાની ભુકી છાંટી લુંટ ચલાવી નાસી છુટેલા બે શખ્સોને તીસરી આંખની મદદથી ઝડપી લીધા
શહેરના નિર્મલા રોડ પર યુવકની આંખમાં મરચાની ભુકી છાંટી રૂ.૨ લાખ લુંટી ગયાની ઘટના જાહેર થતા જ પોલીસે ૫૫ મિનિટમાં જ હોસ્પિટલ ચોક નજીકથી બંને લુંટારુને ઝડપી લીધા હતા. જોકે તમામ કસરત બાદ મોકડ્રીલ હોવાની જાહેરાત થઈ હતી. હનુમાનમઢી નજીક રહેતા વસીમ બશીરશા શાહમદારે નિર્મલા કોન્વેન્ટ સ્કુલ પાસેથી બાઈક પર પસાર થતો હતો ત્યારે બાઈકમાં ઘસી આવેલા બે શખ્સોએ આંખમાં મરચાની ભુકી છાંટી રોકડા રૂ.૨ લાખની રોકડ ભરેલી થેલી લુંટી લીધી હતી અને બંને લુંટારુ નાસી ગયા હતા.
લુંટની ઘટનાની જાણ થતા કંટ્રોલ ઈન્ચાર્જ જે.કે.જાડેજાએ તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને લુંટની ઘટનાથી વાકેફ કર્યા હતા અને શહેરભરમાં નાકાબંધી કરાવી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પીસીઆર ૫ મિનિટમાં સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કાનમિયા, ગાંધીગ્રામ પીઆઈ ઓડેદરા, એસીપી ટંડેલ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયા સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા.
પોલીસ અધિકારીઓએ વસીમ શાહમદાર પાસેથી લુંટની સમગ્ર હકિકત જાણી હતી. લુંટારુઓના વર્ણન મેળવ્યા હતા. સીસીટીવી કંટ્રોલરૂમ પણ સક્રિય બન્યો હતો અને વર્ણનવાળા બે શખ્સ એનસીસી ચોક નજીક સીસીટીવી કેમેરામાં નજરે થતાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમ રેલવે સ્ટેશન તરફ દોડી હતી. પીએસઆઈ સોનારા અને પીએસઆઈ હિતેન્દ્રસિંહ રાણાએ બંને લુંટારુને ૫૫મી મિનિટમાં હોસ્પિટલ ચોકમાંથી દબોચી લીધા હતા. એસીપી ક્રાઈમના જયદિપસિંહ સરવૈયાએ મોકડ્રીલ હોવાની જાહેરાત કરતા પોલીસ સ્ટાફે રાહતનો દમ લીધો હતો. એસીપી સરવૈયાએ જણાવ્યું હતું કે, કડકડતી ઠંડીમાં રાત્રે પોલીસ કેટલી એલર્ટ છે તે ચેક કરવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી મોકડ્રીલ યોજવામાં આવી હતી પરંતુ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ દ્વારા નિયત સમયમાં જ રિસ્પોન્સ જોવા મળ્યો હતો.