રેસકોર્સમાં કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ દેશ અને ૬ રાજયોના ૭૯ પતંગવીરો ભાગ લેશે :રાજકોટના ૬૫ પતંગબાજો પણ ચગાવશે પતંગ
ઉડી..ઉડી..જાય.. દિલ કી પતંગ દેખો… ઉડી..ઉડી..જાય
દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આવતી કાલે બુધવારે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ ૧૨ દેશના ૪૮ અને ૬ રાજયોના ૩૧ પતંગ બાજો ભાગ લેશે. રાજકોટના ૬૫ જેટલા પતંગવીરો આકાશમાં પતંગોની રંગબેરંગી રંગોળી પુરશે.
આવતીકાલે રેસકોર્સ સંકુલ ખાતે ફનવર્લ્ડની બાજુમાં આવેલા મેદાન ખાતે સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં ફ્રાંસના ૪, કેનિયાના ૨, કોરીયા ૪, કુવેતના ૩, લીથુનીયાના ૭, મલેશિયાના ૫, મેકસિકોના ૨, ઈન્ડોનેશિયાના ૪, જર્મનીના ૨, હંગેરીના ૨, ઈઝરાયલના ૬, ઈટાલીના ૫ સહિત કુલ ૧૨ દેશના ૪૮ પતંગવીરો જયારે દેશના ૬ રાજયો જેમાં કેરલમાંથી ૪, પંજાબમાંથી ૩, રાજસ્થાનમાંથી ૮, તમિલનાડુમાંથી ૭, લખનઉમાંથી ૪, ઉતરાખંડમાં થી ૫ સહિત કુલ ૩૧ પતંગવીરો ભાગ લેશે.
આ ઉપરાંત રાજકોટ, ભુજ, માંડવી, સુરેન્દ્રનગર અને ખંભાળીયાના ૮૦ જેટલા પતંગવીરો પતંગ મહોત્સવમાં ભાગ લઈ આકાશમાં રંગબેરંગી પતંગોની મનમોહક રંગોળી પુરશે. આ પતંગ મહોત્સવને નિહાળવા ઉમટી પડવા શહેરીજનોને કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.