ક્રાઈમના બનાવોમાં ઢાંક પીછોડો કરવા અર્થે પત્રકારોને પોલીસ સ્ટેશનથી દૂર રાખવામાં આવતા હોવાના આક્ષેપો: મામલતદારને આવેદન અપાશે, વિરોધ દર્શક કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ અને સામાજીક સંસ્થાઓ પણ જોડાશે
પડધરી પોલીસ મથકમાં ક્રાઈમના બનાવની વિગત લેવા પહોચેલા એક પત્રકાર સાથે પોલીસ મથકનાં પરીએસઓએ ઉધ્ધતાયભર્યું વર્તન કરતા પડધરી પત્રકાર એસોસીએશનમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનાના પગલે ક્રાઈમના બનાવોમાં ઢાક પીછોડો કરવા અર્થે પત્રકારોને પોલીસ સ્ટેશનથી દૂર રાખવામા આવતા હોવાના આક્ષેપો પણ થયા છે. પત્રકાર એસો. આ મામલે મામલતદારને આવેદન આપી ઉગ્ર રજૂઆત પણ કરશે.
પડધરીમાં મામલતદાર કચેરીના બે પટ્ટાવાળા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ બનાવની વિગત લેવા એક પત્રકાર પડધરી પોલીસ મથકે પહોચ્યા હતા. જયાં પડધરી પોલીસ સ્ટેશનના પીએસઓએ બનાવ અંગેની માહિતી ન આપીને તોછડાઈ પૂર્વક વર્તન કરીને પોલીસ મથકની બહાર જવાનું કહી દીધું હતુ નિષ્ઠાથી પડધરીની તમામ ઘટનાઓનું રીપોટીંગ કરીને લોકો સુધી સાચી વિગત પહોચાડતા પત્રકાર સાથે પીએસઓએ દાદાગીરી કરીને ગેટ આઉટ કહી દેતા પડધરી પત્રકાર એસોસીએશનમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પત્રકાર એસો.એ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા આ બનાવમાં ઢાંકપીછોડો કરવા માટે માહિતી આપવામાં આવી ન હતી. ક્રાઈમના બનાવમાં વિગત આપવામાં પીએસઓને શેનુ પેટમાં દુખતુ હતુ તે પણ સો મણનો સવાલ છે. આ પીએસઓ દ્વારા જો પત્રકારો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો સામાન્ય અરજદારો સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવતું હશે તે પણ ચિંતાનો વિષય છે.
વધુમાં પત્રકાર એસો. દ્વારા પીએસઓનાં ગેરવર્તન સામે મોરચો માંડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ મામલે મામલતદારને આવેદન આપવામાં આવનાર છે. જેમાં રાજકીય અગ્રણીઓ તેમજ સામાજીક સંસ્થાઓ પણ જોડાશે.
પત્રકાર એસો. દ્વારા પોલીસ મથકનો બહિષ્કાર
ઘટનાના પગલે પડધરી પત્રકાર એસો. દ્વારા પોલીસ મથકનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેથી પડધરીનું સ્થાનિક પત્રકાર એસોસીએશન હવે પડધરી પોલીસ મથકના કોઈ પણ સમાચારનું રીપોટીંગ કરશે નહી ઉપરાંત તેઓ હવે કયારેય પડધરી પોલીસ સ્ટેશનમાં પણ પ્રવેશ કરશે નહી.
પડધરી પત્રકાર એસોસીએશનના જણાવ્યા મુજબ જયા સુધી આ ઘયના સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી પડધરી પોલીસ મથકના કોઈ પણ સમાચારનું સ્થાનિક પ ત્રકાર રીપોટીંગ કરશે નહી.