‘ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે ’
રાજયની ૧૫૧૭૧ શાળાઓમાં ૧૦૦થી પણ ઓછા વિદ્યાર્થીઓ
ભારતમાં ગુરૂને પહેલેથી જ વંદનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ગુરૂને લઈ અનેક વ્યાખ્યાનો લખાયા છે. ગુજરાત શિક્ષણ વિભાગના સર્વેમાં સામે આવ્યું કે, રાજયની ૧૨૦૦૦ સરકારી શાળાઓ એવી છે જેનું તંત્ર ખુબજ ડામાડોળ ચાલી રહ્યું છે આ તમામ શાળાઓ માત્ર ૨ કે તેથી ઓછા શિક્ષકો દ્વારા ચલાવવામાં આવે છે અને રાજયમાં ૧૫૧૭૦ સ્કૂલો એવી છે કે જેમાં ૧૦૦થી પણ ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય.
કુલ શાળાઓના ૨૬ ટકા એટલે કે, ૮૬૭૩ સ્કૂલો એવી છે કે જેમાં ૫૧ કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ માત્ર એક કે બે શિક્ષકો પાસેથી ૧ થી ૧૦ ધોરણનો અભ્યાસ કરે છે. સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં આ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે. માટે સરકાર આ પરિસ્થિતિ અંગે સુધારા લાવવાની તૈયારી કરી રહ્યું છે.
રાજય સરકાર ૧૦૦થી પણ ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓને તાળા મારી શકે છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એવી શાળાઓ કે જેમાં ખુબજ ઓછા માસ્ટરો છે તેવી સ્કૂલોને મર્જ કરી તેનું શિક્ષણ સુધારવાના પ્રયાસ કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાથમિક ધોરણે વિચારણા ચાલી રહી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારનો લક્ષ્યાંક પૈસા બચાવવાનો નથી પરંતુ શિક્ષકોની ગુણવત્તા વધારી સારામાં સારી માળખાગત સુવિધાથી શિક્ષણને બુસ્ટર ડોઝ આપવાથી યોગ્ય ઉપલબ્ધ રીસોર્સનો પણ ઉપયોગ કરી શકાશે. રાઈટ ટુ એજયુકેશન (આરટીઈ) અંતર્ગત વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં લઈ જવા માટે પરિવહનની પણ જોગવાઈ છે.
હાલ શિક્ષણ માટે ગુજરાતમાં રૂ.૨૭૦૦૦ કરોડનું બજેટ છે જે શાળાઓના મેન્ટેનન્સ માટે ઉપયોગમાં લેવાય છે અને મોટાભાગની શાળાઓ એવી છે કે જેમાં શિક્ષકોનો અભાવ હોય માટે તેને મર્જ કરવાથી ફાયદો થશે. બે દશકા અગાઉ રાજયમાં ૧૨૫ સરકારી અને ૭૦ ખાનગી શાળાઓ હતી. ત્યારે આજે પરિસ્થિતિ વિપરીત થઈ છે. સારા શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે ખૂબજ જરૂરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ટ્રાયબલ વિસ્તારોમાં હજુ પણ કેટલીક સુવિધાનો અભાવ છે અને શિક્ષકોનો પણ અભાવ છે.
નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલમાં ગુજરાત હાલ દશમાં ક્રમે છે. માટે રાજયમાં શિક્ષણની ગુણવત્તા વધારવી ખૂબજ જરૂરી છે.