સર્વોદય સ્કુલમાં ‘ઓલિમ્પીક ૨૦૧૮-૧૯’ યોજાયો: ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર સહિત સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ: ત્રણ દિવસમાં ૬૯ રમતો યોજાઈ: ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા: ૭૫૪ મેડલથી વિજેતાઓનું સન્માન
સર્વોદય સ્કુલના નવા સોપાન પાળ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે સર્વોદય એજયુકેશનલ નેટવર્કની તમામ શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે સર્વોદય ઓલિમ્પીક-૨૦૧૮-૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વોદય ઓલિમ્પીક-૨૦૧૮-૧૯માં સવારે ૯:૦૦ કલાકે એનસીસી ક્રેડેટસના પાયલોટીંગ સાથે મહેમાનોનું આગમન થયું હતું. કાર્યક્રમની શરૂઆત ‘જય હો ભારત..’ ભારતમાતાની વંદનાથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના એકેડેમિક હેડ કમલેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું અને આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર, જિલલા રમત-ગમત અધિકારી વી.પી.જાડેજા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ, સાંસ્કૃતિક શિક્ષણ સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ હેરભા, શાપર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના રામકુભાઈ ખાચર તેમજ કોર્પોરેટરો, ઉધોગપતિઓ, શાળાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓને મહેમાનોનું પુષ્પ નહીં પણ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના સંસ્થાપક ભરતભાઈ ગાજીપરાએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું કે, સ્પોર્ટસ જીવનમાં નેતૃત્વના ગુણો સ્પોર્ટસમેન સ્પીટીર અને અડિખમ વ્યકિતત્વના વિકાસ માટે ખુબ જરૂરી છે. મારો પ્રયત્ન છે કે બાળક મુલ્ય સાથેનું શિક્ષણ મેળવે આદર્શ ઘડતર પામે અને કુટુંબ સમાજ અને રાષ્ટ્રને સમર્પિત બને ઓલિમ્પીક ઘ્વજારોહણ રાજકોટ જિલ્લા રમત-ગમત અધિકારી વી.પી.જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. શાળાના નેશનલ પ્લેયર દ્વારા મશાલનું ઓલિમ્પીકનાં મેદાન પર આગમન કરાવવામાં આવ્યું. જેનું સ્વાગત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મશાલ પ્રાગટય સાંસ્કૃતિક શિક્ષણ સમાજના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા દ્વારા કરવામાં આવ્યું હતું.
શાળાના વિવિધ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ થયું હતું. સર્વોદય સ્કુલના કુલ ૧૭ નેશનલ પ્લેયરનું મહેમાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સ્પોર્ટસ ડ્રીલ અને નેશનલ પ્લેયર ઉપાધ્યાય કાદમ્બરી દ્વારા અદભુત યોગ ડાન્સની રજુઆત દ્વારા તેઓને વાલીઓ તેમજ મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા. ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરે માતૃભાષા ગુજરાતીને મહત્વ આપતા જણાવ્યું હતું કે, ‘કાશ…! મારું બાળપણ આ સ્કુલમાં પસાર થયું હોત તો…હું જયારે કોઈપણ જગ્યાએ જાવ છું ત્યારે સર્વપ્રથમ ગુગલમાં સર્ચ કરુ છું પરંતુ આજે હું એવી જગ્યાએ આવ્યો છું કે જયાં મારે આ શાળા વિશે ગુગલમાં સર્ચ કરવાની કોઈ જરૂરીયાત નથી કારણકે આ શાળા ભાર વગરના ભણતરને ખરા અર્થમાં સાર્થક કરે છે. ભરતભાઈ ગાજીપરા બાળકોને ખરા અર્થમાં શિક્ષણની સાથે જીવનમુલ્ય આપે છે.’
ત્રણ દિવસના ઓલિમ્પીકમાં કુલ ૬૯ પ્રકારની રમતો યોજાઈ હતી. જેમાં કુલ ૫૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૩૨૪ ગોલ્ડ મેડલ, ૩૨૪ સિલ્વર મેડલ, ૧૦૬ બ્રોન્ઝ મેડલ મળીને કુલ ૭૫૪ મેડલથી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને મલ્હાર ઠાકરે વિદ્યાર્થીઓને રસ્સા ખેંચ ગેઈમની કલેપિંગ આપી ઓલિમ્પીક રમતોનો શુભારંભ કર્યો હતો અને રસ્સા ખેંચ ગેઈમનો આનંદ માણ્યો હતો. સર્વોદય ઓલિમ્પીક-૨૦૧૮-૧૯ના સમાપન સમારોહમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, બાળકો આપણા દ્વારા પૃથ્વી પર આવ્યા છે પરંતુ તે આપણી માલિકીના નથી. એને પુરી રીતે ખીલવા દઈએ મન મુકીને ઝુમવા દઈએ દરેક બાળક કોઈને કોઈ બાબતમાં શ્રેષ્ઠ હોય જ છે. ત્યારબાદ ઉધોગપતિ વિઠ્ઠલભાઈ ધડુકના હસ્તે ઘ્વજઅવરોહણ થયું હતું અને આ ઓલિમ્પીક ઘ્વજ સંસ્થાપક ભરતભાઈ ગાજીપરાને આગામી ઓલિમ્પીકના આયોજન માટે સોંપાયો હતો. સમાપન સમારોહમાં સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા તથા આચાર્યા ગીતાબેન ગાજીપરાએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ તમામ કાર્યક્રમનું સંચાલન દેવશીભાઈ મોઢવાડીયાએ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન નયનભાઈ મહેતા અને જયસુખભાઈ ભંડેરી તેમજ દરેક વ્યાયામ શિક્ષકોએ કર્યું હતું.