અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા
અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રાજયભરના સ્વૈચ્છીક સંગઠનાઓના હોદેદારો માટે સ્વૈચ્છીક સંગઠના સંચાલન અને નિયમનના વિષયોને આવરી લઇને એક મહત્વપૂર્ણ વર્કશોપ દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં પ્રશિક્ષણાર્થીઓને શીખ આપતા પશ્ચીમ ઝોનના ઝોનલ ઓર્ગેનાઇઝર ડો. ભાવનાબેન જોશીપુરાએ સ્વૈચ્છીક સંગઠનાઓએ આંતરીક રીતે સંસ્થાગત સજજતા અને નિયમિતતાના કેળવવાની સાથે સમાજ જીવનની અપેક્ષાઓ પૂરતી માટે સતત કાર્યરત પર ભાર મુકયો હતો. કોર્પોરેટ સોશ્યલ રીસ્પો-સીબીલીટી અને વોલેન્ટીયર મેનેજમેન્ટ જેવા નુતન વિષયો ઉપર ડો. ભાવનાબેન જોશીપુરાએ અભ્યાસપૂર્ણ વકતવ્ય આપ્યુંહતું.
અખિલ હિન્દ મહીલા પરીષદના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ડો.લક્ષ્મી ગાંધી, રેખા શલી (મુંબઇ) તેમજ રાષ્ટ્રીય અગ્રણી શિવાનીબેન મહેતા અને ગુજરાત બ્રાંચના પ્રમુખ લતાબેન ચોકસી, કિન્નરીબેન શ્રોફ (વલસાડ) રેણુકાબેન ચોકસી (નવસારી) સહીતના હોદેદારોએ સંયુકત રાષ્ટ્ર સંધ ખાતેની ઇવેન્ટમાં વકતા તરીકે પસંદ થવા માટે ડો. ભાવનાબેન જોશીપુરાનું ખાસ સન્માન કર્યુ હતું.આ પ્રસંગે મુળ ગુજરાતના નિવાસી અને હાલમાં અમેરિકા સ્થિત ૯૭ વર્ષની આયુ ધરાવતા લક્ષ્મીબેન ઉપાઘ્યાય ખાસ હાજર રહ્યા હતા.
ડો. ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કોર્પોરેટ ઉઘોગ જુથો સામાજીક ઉતર દાયિત્વના સંદર્ભમાં જે નિશ્ચીત રકમ ફાળવે છે તે રકમના સંદર્ભમાં સ્વૈચ્છીક સંગઠનાઓએ ખુબ જ ચોકકસાઇ ભરી રીતે હિસાબી આયોજન, પ્રોજેકટની રચના તેનું વાસ્તવિક અમલીકરણ અને સતત મૂલ્યાંકન જેવા આયામો ખાસ શીખવાની જરુર છે.
વધુમાં જણાવ્યું હતું કે ગ્રાસ રુટ કક્ષાએ કરેલ કામના પરિપાક રુપે અને સ્વાવલંબી મહીલાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વિચારો વ્યકત કરવાની મને તક મળી છે. તેનું ચોકકસ ગૌરવ છે. પરંતુ તેનો સંપૂર્ણ યશ છેવાડાના ક્ષેત્રમાં કામ કરવાની તક આપી રહેલ મહીલાઓને ફાળે જાય છે.
આ તકે ભાવના જોશીપુરાએ સૌરાષ્ટ્રભરમાં કાર્યરત મહીલા કાર્યકર્તાઓ માટે આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે પશિક્ષણ પ્રકલ્પ આયોજીત કરવાની જાહેરાત કરી હતી.