સૌરાષ્ટ્રના પ્રાણ સમા પાણી પ્રજાના ઉકેલ માટે આશાસ્પદ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના (સૌની)ને ભંડોળ ફાળવવા મુદ્દે કેન્દ્ર સરકારે હાથ અઘ્ધર કરી દેતા નાણાકીય બોજ ગુજરાત સરકાર ઉપર આપી પડયો છે. ટેકનીકલ કારણો આગળ ધરી યોજના ઉપર શંકા વ્યકત કરવામાં આવી છે.
વિગતો અનુસાર સૌની પ્રોજેકટના ખર્ચનો પ્રાથમીક અંદાજ ‚ા ૧૦,૦૦૦ કરોડ હતો. આ આંકડાને ઘ્યાનમાં રાખી રાજય સરકારે કેન્દ્ર સમક્ષ એકસલેરેટેડ ઇરીગેશન બેનીફીટસ પ્રોગ્રામ (એઆઇપીબી) યોજના હેઠળ ‚ા ૬.૩૯૯ કરોડની માંગણી કરી હતી. અલબત હવે રાજય સરકારે ખર્ચનો અંદાજ ‚ા ૧૮,૦૦૦ કરોડ કાઢયો છે. દરમિયાન રાજય સરકારે સૌની માટે માંગેલા ભંડોળને ફાળવવાનો સેન્ટર વોટર કમિશન દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. સેન્ટર વોટર કમિશનને સૌનીની સફળતા ઉપર શંકા છે. કમિશને સૌની પ્રોજેકટમાં પાણીની એકઠુ કરવાની ક્ષમતા ઉપર પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. અને ફંડ ફાળવવાનો નનૈયો ભણી દીધો છે. પરિણામે સમગ્ર આર્થિક બોજ ગુજરાત ઉપર આવી પડયો છે. જેથી રાજય સરકારે સમગ્ર પ્રોજેકટ એકલા હાથે પુરો કરવાનો નિધાર કર્યો છે.
અહીં નોંધનીય છે કે, સૌની વડાપ્રધાન મોદી માટે અતિ મહાત્વાકાંક્ષી યોજના છે. વડાપ્રધાને સૌનીના પ્રથમ તબકકાનું ઉદધાટન રાજકોટના આજી-૩ ખાતેથી તા. ૩૦ ઓગસ્ટ ૨૦૧૬માં કર્યુ હતું. ત્યારબાદ તા. ૧૭ એપ્રિલે વડાપ્રધાને સૌનીના ફેસ-૧ (લીંક)ને બોટાદ ખાતેથી શરુ કરાવ્યું હતું. અને બીજા તબકકાની કામગીરી શરુ કરવા લીલીઝંડી આપી હતી.