ભારતવર્ષના આસ કેન્દ્ર પ્રભાસપાટણ સ્થિત મહાદેવ સોમનાથ દાદાની પ્રાત: આરતીનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી સાથે લાભ લીધો હતો.
સોમનાથના દાદાના દર્શને આવેલા મુખ્યમંત્રીએ પ્રાત:આરતી બાદ અહિં મહાપુજા-દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીની સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ પણ પ્રાત:આરતી અને મહાપૂજા-દર્શનનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૧૭ માં માસીક શીવરાત્રી જયોત પૂજનની પરંપરાનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયેલ અને આજે પણ શિવરાત્રીના પાવન દિવસે મુખ્યમંત્રી પૂજા અર્ચના કરી ભાવવિભોર થયા હતા.
મહાપૂજા બાદ મુખ્યમંત્રી સાગરદર્શન જતા સોમનાથના પ્રવાસે આવેલા થરાદ તાલુકાની ઇરાટા ગામની માધ્યમિક શાળાની વિદ્યાર્થીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓ પાસેથી તેમના પ્રવાસની જાણકારી મેળવી હતી. પ્રવાસમાં કેટલા શિક્ષકો સાથે છે તે સહિતની વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આનંદ વ્યકત કરતા આરતી આશય અને ભાગ્યશ્રી ચૌહાણે કહયુ કે, મુખ્યમંત્રી અને તેમના ધર્મપત્નિ સાથે અચાનક મુલાકાત થઇ તેઓ સામેથી મળવા આવ્યા તેનો અનહદ આનંદ છે.