ચૂનારાવાડમાં તાપણું તાપતા યુવાનને સમાધાન માટે લઇ જઇ ઢીમ ઢાળી દીધુ : બંન્ને શખ્સોની અટકાયત
શહેરના ચુનારાવાડ વિસ્તારમાં ૩૧ ડિસેમ્બરની રાતે થયેલા ઝઘડા અંગે સમાધાન માટે ભરવાડ યુવાનને લઇ જઇ બે શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની ઘટના પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. થોરાળા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રોડ પર આવેલા મનહરપરામાં રહેતા ભૂપત ઘોઘા બોળીયા નામના ૨૫ વર્ષના ભરવાડ યુવાન પોતાના ઘરે રાતે જમવા નહી આવે મિત્રો સાથે જમવા જવાનું કહીને નીકળ્યા બાદ સવારે શિવાજીનગર વિસ્તારમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી મૃતકની ઓળખ મેળવી હતી.
ભૂપત ભરવાડ ગઇકાલે ચુનારાવાડ શેરી નંબર ૮ના ખૂણે પોતાના મિત્રો સાથે તાપણું તાપતો હતો ત્યારે સિકંદર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને ભૂપત ભરવાડને અ્સ્લમ નામના શખ્સ સાથે થયેલી બોલાચાલી અંગે સમાધાન કરાવવાના બહાને પોતાની સાથે તેડી ગયો હતો.
મૃતક ભૂપત ભરવાડ, સિકંદર અને અસ્લમ મિત્રો છે. અને ગત તા.૩૧ ડિસેમ્બરે અસ્લમ ભરવાડ સમાજ અંગે અજુગતું બોલ્યો હોવાથી ભૂપત ભરવાડ અને અસ્લમ વચ્ચે ઝઘડો થયો હોવાથી સિકંદર સમાધાન માટે ચૂનારાવાડમાં બોલાવવા આવ્યો હતો. ત્યારે તેની સાથે ભૂપત ભરવાડના અન્ય મિત્રો સાથે જવાની તૈયારી બતાવી હતી પણ સિકંદરે થોડી વારમાં જ સમાધાન કરાવીને પરત આવી જવાની ખાતરી આપી શિવાજીનગરમાં લઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
ભૂપત ભરવાડને શિવાજીનગરમાં લઇ ગયા બાદ સિકંદર અને અસ્લમ નામના શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની શંકા સાથે બંનેની પી.આઇ. એસ.એન.ગડુ સહિતના સ્ટાફે અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
મૃતક ભૂપત ભરવાડ ચાર ભાઇ અને એક બહેનમાં સૌથી નાનો અને તેને એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે.