ફિઝીયોથેરાપી, ઓપ્ટોમેટ્રી સહિતના પેરા મેડિકલ કોર્સ માટે બનાવાયેલ સેપ્રેટ એડમીશન કમીટી નવરીધુપ
નર્સીંગ, ફિઝીયોથેરાપી અને ફાર્મેડિકલ કોર્સ માટે ગુજરાતમાં વિશેષ એડમીશન કમીટી બનાવવામાં આવી છે. પરંતુ આ કમીટીના સભ્યો એડમીશનની ઘટને કારણે નવરા ધુપ થયા છે. રાજયમાં આ વર્ષે ૬૩ ટકા નર્સીંગ અને પેરા મેડિકલની સીટો ખાલી ખમ્મ રહેતા મેડિકલ શિક્ષણમાં મંદીનો માહોલ સર્જાયો છે. પાંચ રાઉન્ડ છતાં ચાર મહિનાની પ્રક્રિયા ઉપરાંત પણ ૩૭ ટકા જ સીટો ભરાય છે.
કમીટી અધિકારીઓના જણાવ્યા મુજબ ફિઝીયોથેરાપી, નર્સીંગ અને ઓપ્ટોમેટ્રી માટે મેડિકલ શિક્ષણ વિભાગની ૧૬૧૧૫ સીટોમાંથી ૧૦૨૪૫ સીટો ખાલી રહી છે. ઓપ્ટોમેટ્રી જેવા કોર્સમાં ૩ કોલેજોમાં માત્ર પાંચ જ વિદ્યાર્થીઓ છે જયારે અન્ય ત્રણ કોલેજોમાં અંદાજે ગણ્યા ગાંઠયા વિદ્યાર્થીઓએ એડમીશન લીધુ છે.
રાજયમાં ૬૯ કોલેજો ફિઝીયોથેરાપી જેવા કોર્ષની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જેમાંથી ૧૪ કોલેજોને ૧૦ થી વધુ વિદ્યાર્થીઓ મળવામાં મુશ્કેલી પડી રહી છે. ૨૦ કોલેજો એવી છે કે જેમાં પાંચથી પણ ઓછા વિદ્યાર્થીઓ ઓપ્ટોમેટ્રીમાં અભ્યાસ કરી રહ્યાં છે.
જયારે ૩૪ કોલેજો એવી છે જે ૫ થી ૧૦ વચ્ચેની સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરાવે છે. રાજયની અડધો-અડધ કોલેજોને ડબલ ફિગરમાં વિદ્યાર્થીઓના એડમીશન મેળવવામાં ફાફા પડી રહ્યાં છે.
વિદ્યાર્થીઓ મેડિકલ તેમજ પેરા મેડિકલને બદલે આઈટી ક્ષેત્રોમાં વધુ ઝંપલાવવાને કારણે શિક્ષણ ક્ષેત્રે સ્પર્ધા વધી રહી છે. જેને કારણે વિદ્યાર્થીઓના ફાટા પડી રહ્યાં છે.
જો કે, મેડિકલ તેમજ પેરા મેડિકલ કોર્ષોની ફી વધુ ઉઘરાવતી સંસ્થાઓને કારણે પણ આ સ્થિતિ
સર્જાઈ હોવાનું તારણ છે અને આઈટી ક્ષેત્રે વધુ કેરીયરની ઉજ્જવળ તકોને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓ
તેની તરફ આકર્ષાયા છે.