ગુજરાતના વેપાર ઉદ્યોગનો સર્વાંગી વિકાસ થાય અને દેશ વિદેશોનાં ઉદ્યોગકારો રાજયમાં ઉદ્યોગ કરવા માટે પ્રેરાય, આયાત નિકાસ વધે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્રાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજનની શરૂઆત કરી હતી.
આ વર્ષે યોજાનારી સમિટ માટે ૧૯મી જાન્યુઆરીએ ‘આફ્રિકા ડે’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ગઈકાલે
અમદાવાદમાં અગ્રણી ઉદ્યોગકારો અને એકસપર્ટરોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આફ્રિકન
દેશોમાં હાલમાં રાજયમાંથી થતુ એકસપોર્ટ છેલ્લા ચાર વર્ષમાં ડબલ થયાનું જણાવાયું હતુ.
વ્રાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ અંતર્ગત યોજાનારા
આફ્રિકા-ડે ઈવેન્ટમાં ૫૪ આફ્રિકન રાષ્ટ્રોમાંથી ૨૫ રાજદુતો અને ૪૮થી વધુ દેશોનાં પ્રતિનિધિઓ
ભાગ લેનારા છે. ત્યારે આફ્રિકન દેશોમાં હાલમાં થતા એકસપોર્ટને વધારવા રાજય સરકારે રાજયભરનાં ૨૦૦
જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને એકસપોર્ટરોની એક બેઠક ગઈકાલે અમદાવાદમાં યોજાઈ હતી જેમાં
આફ્રિકામાં એકસપોર્ટ કરવા દરમ્યાન પડતી મુશ્કેલીઓ અને અવરોધોની ચર્ચા વિચારણા કરવામાં
આવી હતી.
આ બેઠકને સંબોધતા રાજયના મુખ્ય સચિવ એસ.જે. હૈદરે જણાવ્યું હતુ કે એકસપોર્ટરો વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવીને નોંધણી કરાવીને આ સમિટમાં આવેલી અનેક આફ્રિકન કંપનીઓનાં પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને તેમના વેપાર ઉદ્યોગને વિસ્તારી શકે છે. તેમણે જણાવ્યું હતુ કે આફ્રિકાના ૫૪ દેશોમાંથી ૫૧ દેશોમાં ગુજરાતમાંથી વિવિધ ચીજવસ્તુઓ એકસપોર્ટ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન આફ્રિકાના દેશોમાં ૧૯.૬ અબજ યુએસ ડોલરનું એકસપોર્ટ થયું હતુ.
વર્ષ ૨૦૦૧ની ૨૦૧૫ વચ્ચે ભારત અને આફ્રિકા વચ્ચેના વેપારના કદમાં દસ ગણો વધારો થયો છે. તેમ જણાવીને હૈદરે ઉમેર્યું હતુ કે રાજયમાંથી આફ્રિકન દેશોમાં થતુ એકસપોર્ટ છેલ્લા ચાર વર્ષમાં બમણું થઈ ગયું છે. અને આવતા વર્ષોમાં તેમાં અનેક ગણો વધારો થવાની સંભાવના છે. આમ પણ, ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચે વેપાર ઉદ્યોગ દાયકાઓથી થતો આવ્યો છે. જેને લઈને લાખો ગુજરાતીઓ વિવિધ આફ્રિકન દેશોમાં સ્થાઈ થઈને ઈમ્પોર્ટ એકસપોર્ટનો વેપાર કરી રહ્યા છે.
ગુજરાતની અનેક પ્રોડકટોની આફ્રિકન દેશો, સુદાન, જાંબીયા, ડીઆર કોંગો, રીપબ્લીક ઓફ કોંગો, લેસોથો, નાઈઝીરીયા, સેનેગલ, ટોગો, બુરકીના ફાસો, મોઝામ્બીક, માડાગાસ્કર, ધાના, તાઝીયા, યુગાનડા, કેનીયા, રવાન્ડા, ગામીબ્યા,ઈથોપીયા,ઓમાન, મોરેસીયસ અને સાઉથ એશિયન જેવા દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન અને નેપાળમાં હેલ્થકેર, ફારમાસ્યુટીકલ, મેડીકલ ટુરીઝમ, આયુર્વેદીક દવાઓ, કોસ્મેટીક, ગાર્મેન્ટ, અને ટેક્ષ સ્ટાઈલ એગ્રીકલ્ચલ, ફર્ટીલાઈઝર, પેસ્ટીસાઈઝર, કનસ્ટ્રકશન મશીનરી, સીરામીક, સેનેટરી વેર, બેરીંગ, ટુલ્સ, ઈમીટેશન જવેલરી, બુટ ચપલ સહિતની પ્રોડકટોની બોલબાલા છે.
ગુજરાતની આ પ્રોડકટો માટે ફોરેન દેશોમાં મોટુ માર્કેટ રહેલુ છે. જેનો પુરો લાભ વેપારીઓને મળે તેવા હેતુથી એસવીયુએમ દ્વારા રાજકોટમાં આગામી ૧૧મીફ્રેબ્રઆરીના રોજ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ મેળો એનએસઆઈસી સેન્ટર, આજી વસાહત, ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ રાજકોટ ખાતે યોજાનાર છે. આ મેળો પાંચ દિવસ સુધી ચાલશે જેમાં ૩૦ દેશોમાંથી ૨૦૦ જેટલા ડેલીગેટો આવવાના છે. આ સાથે બેરોજગાર યુવાનો માટે જોબ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વધારે આફ્રિકન ડેલીગેટોને લાવવાની જવાબદારી પરાગભાઈ તેજુરાને સોંપાઈ
આફ્રિકાના દેશોમાં વધુ વધુ પ્રતિનિધિ મંડળ આવે તે માટે રાજય સરકાર ખાસ કાળજી રાખી રહી છે. જેના ભાગરૂપે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી વિદેશના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને લાવવાની જવાબદારી ફીકકી જેવી વેપાર સંગઠ્ઠનોને અપાતી હતી.
પરાગભાઈ તેજુરા લાંબા સમયથી રાજયનો વિવિધ આફ્રિકન દેશો સાથે વેપાર વધે તે માટે પ્રયત્નશીલ છે અને તે માટે ટ્રેડ શોનું આયોજન રાજકોટમાં કરીને આફ્રિકન દેશોનાં પ્રતિનિધિઓને લાવવામા સફળ રહ્યા છે. જેથી, રાજય સરકારે વધારેમાં વધારે આફ્રિકન બિઝનેસ ડેલીગેશનોને લાવવાની વિશેષ કામગીરી પરાગભાઈ તેજુરાને સોંપી છે.