કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની ઓફિસે ટિકિટ વાંચ્છુઓ ઉમટયા
શહેરના વોર્ડ નં.૧૩માં ખાલી પડેલી એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ પેટાચુંટણી યોજાવાની છે. ભાજપના ઉમેદવાર તરીકે નિતીન રામાણીનું નામ ફાઈનલ છે ત્યારે કોંગ્રેસમાંથી હાલ અડધો ડઝન નામો ચર્ચામાં છે.
આજે સવારે કોંગ્રેસના ટિકિટ વાંચ્છુઓ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની ઓફિસે ઉમટયા હતા અને પોતાની દાવેદારી રજુ કરી હતી. તમામ નામોમાંથી ત્રણની પેનલ બનાવી પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ મોકલાવવામાં આવશે. જયાંથી ઉમેદવારોનું નામ જાહેર કરાશે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩માં યોજાનારી પેટાચુંટણી માટે કોંગ્રેસના પ્રતિક પર ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારોએ આજે ટિકિટની માંગણી સાથે રજુઆત કરી હતી. પક્ષ દ્વારા ઉમેદવારની લાયકાત, અનુભવ, પક્ષ માટે તેઓએ કરેલી સેવા સહિતના મુદાઓ ધ્યાનમાં લેવામાં આવશે.
આજે નિલેશ મનસુખભાઈ ભાલોડી, કમલેશભાઈ કોઠીવાલ, વિપુલભાઈ ચોવટીયા, યોગીન છનીયારા, બિજલ મકવાણા, નરસિંહભાઈ પટોડીયા અને શાંતાબેન મકવાણા સહિત ૬ ઉમેદવારોએ ટિકિટની માંગણી સાથે રજુઆત કરી હતી. તમામ દાવેદારોના નામ માંથી ત્રણ લોકોના નામની પેનલ બનાવી પ્રદેશમાં મોકલવામાં આવશે. ઉમેદવારના નામની જાહેરાત પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા કરાશે.