ઓસ્ટ્રેલિયા બોડીલેગ્વેજ બોલીંગ કરી પહેલા દિવસે જ મેચને ગુમાવી દીધી છે ૭૦ વર્ષ બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ શ્રેણી જીતવા તરફ : ચેતેશ્વરની સદી, ભારત ૩૦૩/૪
૭૦ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં ૩-૧ થી કારમી હાર આપવાના ઉજળા સંજોગો વિરાટ સેના પાસે રચાયા છે. સિડની ખાતે આજથી શરૂ થયેલા ચોથા અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમ પ્રથમ દિવસે દબાણના પહાડતળે દબાઈ ગઈ છે. રાજકોટના રન મશીન અને ટીમ ઈન્ડિયાની ધ વોલ ચેતેશ્વર પુજારાની અણનમ સદીના સથવારે ભારતે પ્રથમ દિવસે જ મજબુત સ્થિતિમાં આવી ગયું છે અને જંગી જુમલા તરફ આગળ વધી રહ્યું છે. પ્રથમ દિવસની રમતના અંતે ૪ વિકેટના ભોગે ૩૦૩ રન બનાવી લીધા છે.
સિડની ખાતે આજથી શરૂ થયેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતના શુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો જોકે ભારતની શરૂઆત થોડી નબળી રહેવા પામી હતી. ટીમનો સ્કોર માત્ર ૧૦ રને પહોંચ્યો ત્યારે કે.એલ.રાહુલ આઉટ થઈ ગયો હતો જોકે ત્યારબાદ ઈન્ફોમ બેટસમેન મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ તમામ ઓસ્ટ્રેલિયન બોલરોની બરોબર ધોલાઈ કરી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે ૧૧૬ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. આ દરમિયાન પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી ટેસ્ટ રમી રહેલો મયંક અગ્રવાલ ૭૭ રને આઉટ થઈ ગયો હતો ત્યારબાદ ચેતેશ્વર સાથે દાવમાં જોડાયેલો વિરાટ કોહલી પણ જાજુ ટકી શકયો ન હતો. તે અંગત ૨૩ રનના સ્કોરે આઉટ થયો હતો. અજીંકય રહાણે પણ ૧૮ રનમાં આઉટ થઈ જતા ભારતે ૧૮૦ રનમાં ૩ વિકેટો ગુમાવી લેતા એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મેચ પર પકકડ લઈ લેશે જોકે શ્રેણી હારના ખતરા સામે જજુમી રહેલું ઓસ્ટ્રેલિયા જાણે દબાણમાં રમતું હોય તેવું લાગી રહ્યું છે. ઓસી બોલરો નેગેટીવ બોલીંગ પર ઉતરી ગયા હતા. એક છેડે રાજકોટના રન મશીન ચેતેશ્વર પુજારાએ તમામ ઓસી બોલરોનો મકકમતાપૂર્વક સામનો કર્યો હતો અને ચાર ટેસ્ટની શ્રેણીમાં ત્રીજી સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ૪ વિકેટના ભોગે ૩૦૩ રન બનાવી લીધા હોય ભારત પોતાના પ્રથમ દાવમાં ૫૦૦થી વધુ રનનો જંગી જુમલો ખડકે તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. જયારે પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ચેતેશ્વર પુજારા ૧૩૦ રન અને ગગન હનુમા વિહારી ૩૯ રન સાથે દાવમાં છે. આવતીકાલે ટેસ્ટનો બીજો દિવસ છે અને ભારત પાસે હજુ ૬ વિકેટો હાથમાં હોય ટીમ ઈન્ડિયા તોતીંગ સ્કોર ખડકે તેવું લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે ટેસ્ટ શ્રેણી હરાવવા છેલ્લા ૭૦ વર્ષથી પ્રયાસ કરી રહ્યું છે છતાં સફળતા સાંપડી નથી. વિરાટ સેના એક ઈતિહાસ રચવાથી હવે થોડુ દુર છે.