કોઈપણ જાતની નોટિસ પ્રસિઘ્ધ કર્યા વિના લાગતા-વળગતા લોકોને પ્લોટ ફાળવ્યા હોવાની રજુઆત
કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામના નવા ગામતળમાં નીમ થયેલા પ્લોટ નં.૩ થી ૮ ની તા.૨૮/૧૦/૨૦૧૬ના રોજ હરરાજી કરવામાં આવી હતી. આ હરાજી તદન ગેરકાયદેસર અને ગેરરીતિનો રસ્તો અપનાવીને જે-તે સમયના સરપંચ તથા લાગતા વળગતા અધિકારીઓએ કરી હોવાના આક્ષેપો સાથે રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં કહેવામાં આવ્યું છે કે જે તે સમયે જાહેર હરરાજી ફકત કાગળ ઉપર બતાવીને કરવામાં આવી હોવાથી આ હરરાજીને રદ કરવામાં આવે અને તટસ્થ તપાસ થાય તેવી માંગ થઈ છે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે, સાચી હકિકતે શીશક ગામમાં કોઈ પણ પ્રકારની જાહેરાત પણ થઈ હતી કે નોટીસ પ્રસિઘ્ધ કરવામાં આવી નથી. જો કે અયોગ્ય રીતે પંચરોજ કામ ઉભુ કર્યું છે. તદન અયોગ્ય હોવાથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત જે-તે સમયના સરપંચે ૩૫ થી ૪૦ લાખનું હરરાજી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો પણ રજુઆતમાં કરવામાં આવ્યા છે. કહેવાતી હરરાજી અંગે શીશક ગામના ગ્રામજનોને કોઈપણ જાણ ન કરી લાગતા વળગતા લોકોને પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ બાબતે કલેકટર કચેરી ખાતે તાલુકા ભાજપના આગેવાનો અરવિંદભાઈ સિંધવ, અમિતભાઈ પડારીયા, સહદેવસિંહ જાડેજા, અનિલભાઈ અકબરી, શંભુભાઈ યાદવ સહિત શીશક ગામના આશરે ૫૦ જેટલા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર રીતે હરરાજી કરીને ગ્રામ પંચાયતને નુકસાન પહોંચાડવાની બાબતમાં તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.