ઓનલાઈન ટિકિટ બુકિંગનું સર્વર ઠપ્પ થતા કલાકો સુધી વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા રહ્યાં: ૧૦ વાગ્યાના બદલે ૧૨ વાગ્યે ટિકિટ બુકિંગ ચાલુ થયું
પ્રથમ ગ્રાસે મક્ષિકા
૬ જાન્યુઆરીએ રાજકોટના ૧૩૪ પરીક્ષા કેન્દ્ર પરથી ૪૨૩૯૦ ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવાના છે ત્યારે એસ.ટી. ડિવિઝને એકસ્ટ્રા ૩૫૦ બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને આજે સવારથી રાજકોટ એસ.ટી. ડેપો પર એડવાન્સ બુકિંગ શરૂ થયું હતું. જો કે, પ્રથમ ગ્રાંસે મક્ષીકા સુત્ર અહીં સાર્થક થયું હતું. સવારે ૧૦ વાગ્યાની આસપાસ ઓનલાઈન બુકિંગ માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. જો કે રાજકોટ એસ.ટી. ડિવિઝનનું સર્વર ઠપ્પ થઈ જતાં વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો અને પરિસ્થિતિ બગડી હતી.
મળતી માહિતી મુજબ એલઆરડીની પરીક્ષામાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી ડિવિઝનની ૩૫૦ બસ મુકવામાં આવશે. ત્રણેય જિલ્લામાં અંદાજીત ૭૫૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. જેમાં ૨૦ ટકા ઉમેદવારો ગેરહાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટથી જામનગર, પોરબંદર અને કચ્છ રૂટ પર એકસ્ટ્રા બસ દોડશે. એકસ્ટ્રા તમામ બસની ચાર-ચાર ટ્રીપ દિવસ દરમિયાન જોડાવવામાં આવશે. તા.૫ અને ૬ જાન્યુઆરી એમ બે દિવસ ઉમેદવારોને એકસ્ટ્રા બસોનો લાભ મળશે. અને આ તમામ બસમાં રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આજે સવારે ઉમેદવારો ઓનલાઈન બુકિંગ કરવા માટે એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા ત્યારે સર્વર ઠપ્પ થઈ જતા પરિસ્થિતિ ગંભીર બની હતી.
રાજકોટ એસ.ટી.ના ડેપો મેનેજર નિશાંત વરમોરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે સવારથી જ રાજકોટ જિલ્લાના ઉમેદવારો ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે આવ્યા હતા. જો કે સમગ્ર ગુજરાતમાં આજથી લોકરક્ષક દળની પરીક્ષા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થયું હોય જે તે ટેકનીકલ ખામીને કારણે સર્વર ઠપ્પ થઈ જતાં નિયમીત સમય કરતા થોડા સમય બાદ ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થયું છે. અમે વિદ્યાર્થીઓની વ્યવસ્થાને ધ્યાને રાખીને અત્યારથી જ બુકિંગ ચાલુ કરી દીધું છે. આગામી રવિવાર સુધી આ બુકિંગ ચાલવાનું છે અને વિદ્યાર્થીઓને અન્ય કોઈપણ જાતની અગવડતા ન પડે તેમજ રિટર્નમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને સહી સલામત આવે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર રાજયમાં ટિકિટ બુકિંગ ચાલુ થયું હોય જેને લઈ સર્વર ઠપ્પ થયું છે. જો કે, થોડી ઘણી મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓએ કરવો પડયો હતો પરંતુ ૧૨:૩૦ આસપાસ શાંતિપૂર્ણ માહોલમાં ઓનલાઈન ટિકિટ આપવાની કામગીરી ચાલુ થઈ ગઈ હતી.