પ્રથમ મહિલા શિક્ષિકાની ૧૮૮મી જન્મજયંતિ નિમિતે મુળ નિવાસી સંઘ દ્વારા રજુઆત
ભારતના પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેનો જન્મ તા.૩ જાન્યુઆરી ૧૮૩૧માં ખંડાલા પાસે સતારા જિલ્લામાં થયો હતો. સને ૧૮૪૦માં નવ વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન સમાજ સુધારક જયોતિરાવ ફુલે સાથે થયેલ. જેઓ આધુનિક વિચારસરણી ધરાવતા તેમની પત્ની સાવિત્રીબાઈને શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. સાવિત્રીબાઈ ફુલેને બ્રિટીશ સરકારે શ્રેષ્ઠ કવયિત્રી અને ઉતમ મહિલા શિક્ષિકા તરીકેના ખિતાબો અર્પણ કર્યા હતા. સ્વતંત્રતા મળ્યા પછી ભારત સરકારે સાવિત્રી ફુલેની સ્ટેમ્પ બહાર પાડેલ છે. ઈ.સ.૧૯૯૭-૧૯૯૮નું વર્ષ મહારાષ્ટ્રમાં સાવિત્રીબાઈ ફુલેના નામે ઉજવાયું અને અનાથાશ્રમ ખોલ્યા હતા. ભારતીય મહિલાઓના ઈતિહાસમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કસ્તુરબા જેવી મહાન વિભૂતિઓ સાથે સાવિત્રીબાઈ ફુલેનું નામ પણ મુકવું જોઈએ. જેથી મહિલા સશકિતકરણનાં આશય સાથે આગામી તા.૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેનો ૧૮૮મો જન્મજયંતિ દિવસ છે. આ પ્રસંગ નિમિતે રાજકોટ શહેરના જયુબેલી બાગ ખાતે જયોતિરાવ ફુલેની પ્રતિમા હાલ છે તેની બાજુમાં જ તેમનાં ધર્મપત્ની સાવિત્રીબાઈ ફુલેની પ્રતિમા મુકવા આવે તેવી મુળ નિવાસી સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી છે.