અદાલતના આદેશને પહલે હળવદ પોલીસ દ્વારા આરોપીઓને વીણી વીણીને ઉપાડી લેવાયા : આઈટીસેલ પ્રમુખની અટકાયત થતા ભાજપ ચિંતામાં
હળવદમાં સપ્ટેમ્બર મહિનામાં કોમી અથડામણ બાદ દુકાનો અને ગોડાઉનમાં આગચંપીમાં સંડોવાયેલ અને નાસતા ફરતા હળવદ ભાજપના આઈટી સેલના પ્રમુખ સહિત ૨૦ આરોપીઓને અદાલતના આદેશ અન્વયે હળવદ પોલીસે ઝડપી લીધા હતા.
જાણવા મળ્યા મુજબ ગત તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ હળવદમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચે થયેલા ઝઘડા બાદ દુકાન અને ગોડાઉનને આગચંપીના બનાવ બનેલ અને આ ગુન્હામાં અદાલતના આદેશ મુજબ હળવદ ભાજપના આઈટી સેલના પ્રમુખ હિતેશ લોરીયા સહિત વીસ આરોપીઓની અટકાયત કરી હોવાનું હળવદ પોલીસ ઇન્સપેકટર એમ. આર.સોલંકીએ જણાવ્યું હતું.
વધુમાં હળવદ માર્કેટ યાર્ડના ભોજનાલય સંચાલક અને હળવદ ભાજપ આઈટી સેલના પ્રમુખ હિતેશ લોરિયાની અટકાયત થતા હળવદ ભાજપમાં સન્નાટો મચી જવા પામ્યો છે. તો સાથો સાથ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે મહત્વનું પાસુ ગણાતા સોશિયલ મિડિયાના જ હર્તાકર્તા એવા આઈટી સેલના પ્રમુખની ધરપકડ થતા હળવદ ભાજપમાં ચિંતાનો વિષય બન્યો છે.