મહિલાએ લાંચની વાતચીત મોબાઇલમાં રેકોડીંગ કરી એસીબી નિયામકને મોકલતા ગુનો નોંધાયો

જુનાગઢમાં ૨૦૧૬ના વર્ષમાં એલ.સી.બી. ના બે હેડ કોન્સ્ટેબલે દારુના કેસમાં વધુ નામ નહી ખોલવા અને માર નહી મારવા ફોન પર દોઢ લાખ માગ્યા હતા. દારુના કેસમાં પકડાયેલા શખ્સની પત્નીએ આ રેકોડીંગ કરીલીધું હતું. અને તેની સી.ડી. બનાવી એ.સી.બી. નિયામકને મોકલી હતી. આ મામલે આજે જુનાગઢ એ.સી.બી.એ. એલ.સી.બી. ના બે પૂર્વ પોલીસ કર્મીઓ વિરુઘ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ એલ.સી.બી. ના સ્ટાફે ૨૦૧૬ ના વર્ષમાં દારુના કેસમાં એક શખ્સને પકડયો હતો. ત્યારબાદ તે વખતના હેડકોન્સ્ટેબલ શિવદતસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા અમૃત ખાતુજીભાઇ ભગોરાએ દારુ સાથે પકડાયેલા શખ્સના પત્નીને ફોન કરી તેણીના દિયર તેમજ અન્ય વ્યકિતના દારુના કેસમાં ખોટા નામ નહી ખોલવા તેમજ તેણીના પતિને વધુ માર નહી મારવા માટે દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેનું મહીલાએ પોતાના પુત્રના ફોનમાં રેકોડીંગ કરી લીધું હતું. અને આ રેકોડીંગની સી.ડી. બનાવી એ.સી.બી.ના નિયામક કેશવ કુમારને મોકલ્યું હતું.

જેના અનુસંધાને એ.સી.બી. ના અધિક નિયામક ડી.પી.ભટ્ટના માર્ગદર્શન હેઠળ તથા જુનાગઢના મદદનીશ નિયામક બી.એલ.દેસાઇના સુપરવિઝનમાં આજે પી.આઇ. ડી.ડી. ચાવડાએ તે સમયના એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ શિવદતસિંહ જાડેજા તથા અમૃત ભગોરા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૨૦૧૮ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. અને આ અંગેની વધુ તપાસ બોટાદ એ.સી.બી. પી.આઇ. બી.પી. ગાધેરાને સોંપવામાં આવી
છે.

૨૦૧૬માં દારુના કેસમાં દોઢ લાખ માંગનાર બે પોલીસ કર્મીઓ વિરુઘ્ધ એ.સી.બી.માં ગુનો દાખલ થતા પોલીસ બેડામાં ચકચાર વ્યાપી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.