અધ્યાપકના માસિક પગારમાં રૂ.૨૫૦૦૦નો થશે વધારો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સલગ્ન ગ્રાન્ટેડ કોલેજના ૭૫૦ અધ્યાપકોને પણ મળશે લાભ
રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોને થર્ટી ફર્સ્ટની ભેટ સ્વરૂપે સાતમા પગારપંચનો લાભ આપ્યો છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના ૭૫૦૦ અધ્યાપકોને લાભ મળશે. ગ્રાન્ટેડ કોલેજના સિનિયર અને જુનિયર અધ્યાપકના માસિક પગારમાં રૂ.૨૫૦૦૦ નો વધારો થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજના ૭૫૦ સહિત રાજ્યના ૭૫૦૦ અધ્યાપકને ગત તા.૧/૧/૨૦૧૬ થી સાતમા પગારપંચની જાહેરાત કરવામાં આવી હતી. જોકે છેલ્લા ત્રણ વર્ષથી અધ્યાપકોને આ પગારવધારાનો લાભ મળ્યો ન હતો. જેથી અધ્યાપક મંડળ દ્વારા વારંવાર મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ અધ્યાપકોને લોલિપોપ આપવામાં આવતી હતી. જોકે સોમવારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સાતમા પગારપંચનો લાભ આપવાના પત્ર પર મંજૂરીની મહોર મારી દીધી છે. જેના લીધે ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોમાં આનંદની લાગણી છવાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના ૭૫૦ અધ્યાપકોને હવે ચાલુ જાન્યુઆરી માસથી પગારવધારાનો લાભ મળશે. હાલ સિનિયર અધ્યાપકોનો પગાર રૂ.૧.૫૦ લાખ જેટલો અને જુનિયર અધ્યાપકોનો પગાર રૂ.૪૦૦૦૦ જેટલો છે ત્યારે તેમના પગારમાં હવે અંદાજિત રૂ.૨૫૦૦૦નો વધારો થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ક્રીપાલસિંહ પરમાર, મહામંત્રી નારણભાઈ ડોડીયા, ઉપપ્રમુખ રતિલાલ ડોબરિયા, અચ્યુત પટેલ, અશોક ચંદ્રવાડીયા, પ્રવિણસિંહ ચૌહાણ, સંગઠન મંત્રી સુનિલ બાબરીયા અને કમલેશ દેસાઇ સહિતનાની સફળ રજૂઆત બાદ હવે અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના એરિયર્સનો લાભ આગામી સમયમાં અધ્યાપકને અપાશે.