ખૂનના ૧૦ ગુના, હત્યાની કોશિશના ૨ અને લૂંટના ૧૯ ગુનાનો ઘટાડો: વર્ષ દરમિયાન દારૂ અને જુગારની અસરકારક કામગીરીની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરી પ્રસંશા
શહેરમાં વર્ષ દરમિયાન પોલીસમાં નોંધાયેલા ગુનાની વર્ષ એન્ડમાં કરાયેલી સમક્ષા ગત વર્ષની સરખામણીમાં ખૂનના ૧૦, હત્યાની કોશિષના ૨ અને લૂંટના ૧૯ ગુનાનો ઘટાડો થયો હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવી પત્રકાર પરિષદમાં વર્ષ દરમિયાન પોલીસ દ્વારા દારૂ અને જુગાર તેમજ ટ્રાફિકને લગતી કામગીરીની પ્રસંશા કરી હતી.
રાજકોટમાં ૨૦૧૭માં ખૂનની ઘટના ૪૫ નોંધાય હતી જેની સરખામણીએ ૨૦૧૮માં ૩૫, ખૂનની કોશિષના ગુનામાં ૩૩ સામે ૩૧, ડેકોઇટીના ૮ સામે ૪, સાદી લૂંટમાં ૫૬ સામે ૪૫, ઘરફોડ ચોરીમાં ૧૪ સામે ૨૧ ઠગાઇમાં ૨૨ સામે ૪૧ વિશ્વાસઘાતના બનાવમાં ૧૫૩ સામે ૮૫ અને અપહરણના બનાવમાં ૧૦૨ સામે ૧૩૯ ગુના નોંધાયા છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા ઘણા સારા ડીટેકશન કરવામાં આવ્યા છે. જેમાં વૃધ્ધાનું ખૂન અને બાળકીના અપહરણ કરી ગુજારેલા બળાત્કારની ઘટના, ડબલ મર્ડરના આરોપી, વાહનના કાચ ફોડી ચોરી કરતી ટકટક ગેંગ, આંતર જિલ્લા રીઢો તસ્કર વિનોદને ઝડપી લીધાવાન, સોની વેપારીની હત્યા કરી રૂ.૫૭.૭૮ લાખની લૂંટના આરોપીને ઝડપી લેવાની ઘટના તેમજ વાહનમાં મુસાફરી દરમિયાન કેફી પીણું પીવડાવી લૂંટ ચલાવતી ગેંગ, તાંત્રિક વિધીના બહાને છેતરપિંડી કરતી ગેંગને ઝડપવા તેજમ જંગલેશ્વર વિસ્તારમાંથી રૂ.૮૧ લાખ અને ૨૧ લખનો ગાંજો ઝડપી લેવામાં પોલીસને મહતાવની સફતા મળી છે.
રાજકોટમાં હથિયાર વેચાણનું નેટવર્ક ભેદી પાંચ માસમાં ૩૧ શખ્સોને ઝડપી લીધા છે. તેમજ હથિયાર બનાવવાની ફેકટરી ઝડપી લીધી છે.
રાજકોટમાં બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્પાના ઓઠા તળે ચાલતા ગોરખધંધા પોલીસ દ્વારા કડક રીતે બંધ કરાવી ૪૫ વિદેશી યુવતીઓને વિદેશ પરત મોકલી છે. તેમજ મોટી રકમનો વિદેશી દારૂ પકડી પાડયો છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા વીવીઆઇપી બંદોબસ્ત અને ધાર્મિક તહેવાર દરમિયાન બંદોબસ્તની સારી કામગીરી કરી હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.