જામનગરમાં ગયા એપ્રિલ મહિનામાં એડવોકેટની થયેલી હત્યામાં તપાસનો દૌર સંભાળનાર સીઆઈડી ક્રાઈમે બે શખ્સોની પૂછપરછ કરી તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ગઈ તા.૨૮-૪-૨૦૧૮ની રાત્રે નવેક વાગ્યે જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષી પોતાની ઓફિસમાંથી નીકળી ઘર તરફ જવા માટે રવાના થયા પછી જ્યોત ટાવર પાસે બાઈક પર ધસી આવેલા બે શખ્સો પૈકીના પાછળ બેસેલા શખ્સે છરીઓના અસંખ્ય ઘા મારી કિરીટભાઈની નિર્મમ હત્યા નિપજાવી હતી ત્યાર પછી મૃતક એડવોકેટના ભાઈ અશોક જોષીએ કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ દ્વારા સોપારી આપી કિરીટભાઈની હત્યા કરાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની તપાસ તત્કાલિન જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળે હાથ ધર્યા પછી મુંબઈથી બે શખ્સોની અને અમદાવાદ, રાજસ્થાનના અન્ય પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. એસપી સાથે તપાસમાં જોતરાયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તથા એટીએસે પણ વિસ્તૃત તપાસ કરી હતી જેમાં કેટલીક વિગતો પોલીસને સાંપડી હતી.
ત્યાર પછી આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવતા આ ટૂકડીએ તપાસનો ધમધમાટ આરંભ્યો હતો જેમાં આગળ વધેલી સીઆઈડીએ બે શખ્સોની પૂછપરછ કરી તપાસ યથાવત રાખી છે.