બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા દાદી જાનકીજી સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર
સંસારમાં કેટલીક એવી વિભૂતિઓ હોય છે જેમનું દરેક કર્મ માનવતાની સેવા અર્થ હોય છે. તેમની અંદરના મૂલ્યોની ખુશ્બુ મનુષ્યને પોતાની અંદર આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. બાલ્યકાળથી જ સ્વયંમાં મૂલ્યોને પ્રમુખતાનું સ્થાન આપનાર રાજયોગીની દાદી જાનકીજીનું વ્યકિતત્વ આકર્ષક-પ્રભાવશાળી છે. દરેક કર્મમાં દિવ્યતા, મધુરતા, પ્રેમ અને શકિત માટે અલૌકિક આભાયુકત છે. પવિત્રતાની પરાકાષ્ઠાથી ઓત-પ્રોત સાધારણ મનુષ્યના રૂપમાં તેઓ શાંતિદૂત છે.
હૈદરાબાદ સિંઘમાં ઈ.સ.૧૯૧૬માં જન્મેલ દાદીજી, આજે પોતાના જીવન સફરના ૧૦૩ વર્ષ પૂર્ણ કરેલ છે. પરંતુ તેમની આંતરીક શકિત અને ઉમંગ-ઉત્સાહનો પુંજ કયારેય પણ અહેસાસ થવા દેતો નથી કે તેમની ઉંમર એક સતકની છે. દાદીજી દુનિયાની પ્રથમ એવી વિદુષી મહિલા છે, જેમનાં પ્રતિનિધિત્વમાં થયેલ માનવીય સેવાઓની શૃંખલાના મુળ પુરા વિશ્વમાં ૧૪૦ દેશો સુધી ફેલાઈ ચુકયા છે. આજે તેમના કર્મક્ષેત્રની લાંબી વિશાળતા છે કે તેના આઘ્યાત્મિક રાજયમાં કયારેય સૂર્યનો અસ્ત નહીં થાય. વિશ્વના એક ખૂણેથી બીજા ખૂણા સુધી આઘ્યાત્મિક જ્ઞાન અને ઈશ્વરીય શકિતથી મનુષ્યને પુરુષોતમ બનાવવાનું અલૌકિક કાર્ય કરી રહ્યા છે.
રાજયોગીની દાદી જાનકીજી તરૂણ આયુમાં જ ‘પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય’ના સાકાર સંસ્થાપક ‘પ્રજાપિતા બ્રહ્માબાબા’ના સંપર્કમાં આવ્યા અને તેઓને ઓળખવામાં થોડી પણ વાર ન લાગી કે વિશ્વ પરિવર્તનની આ વેળા છે જેમાં પ્રકૃતિ અને પુરુષ (આત્મા)નો ફેરફાર થઈ રહ્યો છે. આ પરિવર્તનની ક્રાંતિમાં સહયોગી બનવા માટે તેઓએ પોતાના જીવનનો સૌથી મોટો ફેંસલો લઈ સંસ્થામાં સમર્પિત થઈ ગયા. ઈ.સ.૧૯૬૯માં સંસ્થાના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાબાના અવ્યકત થયા પછી તેઓને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પશ્ચિમી દેશોમાં પ્રતિસ્થાપિત કરવાનું દાયિત્વ મળ્યું. અંગ્રેજીનું જ્ઞાન ન હોવા છતાં પણ પશ્ચિમી દેશોમાં ભારતીય સંસ્કૃતિની વિરાસતની ધજા ફરકાવી. પોતાની આઘ્યાત્મિક શકિત અને પરમાત્માના નિર્દેશનમાં એક-એક કરતા આજે વિશ્વના ૧૪૦ દેશોમાં લાખો લોકોની જીંદગીમાં નવા સુરજને ઉજાગર કર્યો.
અલૌકિક આભાથી પરિપૂર્ણ દાદાજીના ઓરાને જાણવા માટે સંકલ્પશકિત પ્રયોગીઓએ કેટલીય વાર તેમની માનસિક અવસ્થાને પારખી ત્યારે તેનું જે પરીણામ આવ્યું તે જોઈને તેઓ દંગ રહી ગયા. દુનિયાના સુપ્રસિઘ્ધ મનોવૈજ્ઞાનિક અને સંકલ્પશકિતના પ્રણેતા યુરી ગૈલરે પણ દાદાજીની આ અલૌકિક શકિત આગળ નતમસ્તક થઈ ગયેલ. આમ, દાદીજીને વૈજ્ઞાનિકો દ્વારા પ્રશિક્ષણ પછી દુનિયાની પ્રથમ સ્થિર ચિત મહિલા ‘મોસ્ટ સ્ટેબલ માઈન્ડ ઈન ધ વર્લ્ડ’ના એવોર્ડથી સન્માનિત કરેલ. દાદીજી પ્રથમ એવા શાંતિના સંદેશાવાહક છે. જેમને આંતરરાષ્ટ્રીય આઘ્યાતિમક સંસ્થામાં સૌથી વધુ ઉંમરમાં પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. એટલું જ નહીં ૧૦૩ વર્ષની ઉંમરમાં તેઓ દુનિયામાં સૌથી વધુ યાત્રા કરનાર મહિલા છે. જાનકી ફાઉન્ડેશનની સ્થાપના કરી, દાદીજીએ ગરીબ અને અસહાય લોકોના આવાસ-નિવાસનાં નિર્માણનું કાર્ય કરવું તેમજ આપતકાલમાં તેમને દરેક રીતે મદદ કરવામાં પોતાની પ્રમુખ ભૂમિકા નિભાવી રહ્યા છે. દાદીજી સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર છે. બ્રહ્માકુમારીઝની વિશ્વમાં સાફ-સફાઈ અને સ્વચ્છતાની ઓળખ છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દાદી જાનકીજીને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુકત કરેલ છે.
તેમના એક-એક શબ્દ લાખો ભાઈ-બહેનો માટે માર્ગદર્શક, પથદર્શક બની જાય છે. આવા મહાન હસ્તી રાજકોટના આંગણે અનેક વખત પધારી સૌને પ્રેરણા આપેલ છે. બ્રહ્માકુમારીઝના પંચશીલ સેવા કેન્દ્રના ઉદઘાટન પણ દાદીજીના હસ્તે થયેલ છે. જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. એવી મહાન વિભૂતિનો ૧ જાન્યુઆરી, ૨૦૧૯ના સ્વર્ણિમ ૧૦૩ વર્ષ પૂર્ણ થવા પર તેમને જન્મદિવસના હાર્દિક અભિનંદન.
૧૯૧૬ માં હૈદરાબાદ સિંઘ પ્રાંતમાં જન્મ
૧૯૭૦ માં પહેલી વખત વિદેશ સેવા પર નિકળેલ
૨૦૦૭ માં બ્રહ્માકુમારીઝની મુખ્ય પ્રશાસિકા બન્યા
૧૦૦ દેશોમાં એકલા પહોંચીને રાજયોગનો સંદેશ આપ્યો
૧૪૦ દેશોમાં સંસ્થાના સેવા કેન્દ્ર છે.
૨૧ વર્ષની ઉંમરમાં સંસ્થામાં જોડાયા
૧૨ લાખથી વધારે ભાઈ-બહેનો સંસ્થા સાથે જોડાયેલ છે.
૪૬ હજાર બહેનોની નાયિકા
૧૪ વર્ષ સુધી ગુપ્ત યોગ સાધના
૧૨ કલાક દરરોજ સમાજ કલ્યાણ માટે સક્રિય