ટોચના ૮ શહેરોમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ૬૧,૨૧૪ મકાનો વેચાયા હોવાના આંકડા
નોટબંધી બાદ રીઅલ એસ્ટેટ ક્ષેત્રમા મંદી હોવાની વાતનો છેદ જાન્યુઆરી માર્ચ વચ્ચે સસ્તા અને એફોર્ટેબલ મકાનોનાં વેચાણના આંકડા ઉડાવે છે.
જાન્યુઆરીથી માર્ચના સમયગાળા દરમિયાન દેશના ટોચના ૮ શહેરોમાં સસ્તા અને એફોર્ટેબલ મકાનોના વેચાણમાં ૨૧ ટકાનો ઉછાળો નોંધાયો છે. તેવું લાઈસસ ફોરાસ રીઅલ એસ્ટેટ રેટીંગ એન્ડ રીસર્ચના આંકડા કહે છે.
એજન્સીના આંકડા અનુસાર કલકતામાં ૪૭ ટકા, હૈદરાબાદમાં ૪૩ ટકા અને અમદાવાદમાં ૩૦ ટકા ઉછાળો નોંધાયો છે. ટોચના આઠ શહેરોમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ૬૧,૨૧૪ મકાનો વેચાયા છે. જયારે ઓકટોબરથી ડીસેમ્બર દરમિયાન ૫૦,૭૮૮ મકાનો વેચાયા હતા અલબત વાર્ષિક વેચાણ દર હજુ પણ ૫ ટકા નીચો રહ્યો છે.
એનસીઆરમાં સૌથી વધુ ૧૪,૯૮૩ મકાનો વેચાયા છે. જયારે મુંબઈમાં ૧૪,૫૦૫ સસ્તા એફોર્ટેબલ મકાનોનું વેચાણ થયું છે. જોકે બેંગ્લોર અને ચેન્નઈમાં વેચાણ અનુક્રમે ૩૫ અને ૪૪ ટકા ઘટયું છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં મિલકતોનું વેચાણ ખૂબજ ધીમુ થયું છે. નોટબંધીના કારણે વેચાણ ઘટયું છે.
અલબત નોટબંધી બાદ હોમલોનના વ્યાજદરોમાં ઘટાડો થતા સસ્તા અને એફોર્ટેબલ મકાનોનું વેચાણ વધ્યું છે. હાલ ૨૦૦૯ની સરખામણીએ સૌથી ઓછા વ્યાજદર છે. નોટબંધી બાદ ધારણા મુજબ મકાનોનાં ભાવ ઘટયા નથી.