રાષ્ટ્રપતિએ સપરિવાર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહપરિવાર કચ્છના સફેદ રણની સહેલગાહે પધાર્યાં છે સાંજે તેમણે સૂર્યાસ્તમાં આથમતાં સૂર્યનો નજારો નિહાળ્ય હતો અને સફેદ રણના સૌંદર્યથી રાષ્ટ્રપતિ પરિવાર અભિભૂત થઈ ગયો હતો
રામનાથ કોવિંદ, તેમના ધર્મપત્ની સવિતા કોવિંદ અને પુત્રી સ્મિતા કોવિંદ ધોરડો ખાતે હેલિકોપ્ટર મારફત આવી પહોંચતાં કલેક્ટર સહિતના મહાનુભાવોએ તેમને આવકાર્યાં હતા. અહીં તેમણે સૌપ્રથમ ટેન્ટસીટીના સ્વાગતકક્ષની મુલાકાત લીધી હતી.ગુજરાત અને ખાસ કરીને કચ્છની વિવિધ કલાની ઝાંખી તેમણે નિહાળી હતી. રણોત્સવમાં આવતા પ્રવાસીઓને સાંસ્કૃતિક અને કલાનો પરિચય કરાવતી વિવિધ કૃતિ અને ચિત્રો અહીં મુકવામાં આવ્યા છે.
બાદમાં તેમણે ગ્રામહાટની મુલાકાત લીધી હતી. જ્યાં સ્થાનિક કચ્છી કારીગરોએ તૈયાર કરેલી કાપડ, કાષ્ઠ, ભરતકામની વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી. અહીં એક સ્ટોલની મુલાકાત દરમિયાન કવિતા નામની છઠ્ઠા ધોરણમાં ભણતી એક નાની બાળકીને તેઓ વહાલથી મળ્યા હતા. પોતાના પિતા રામજીભાઈ સાથે કચ્છી પરિધાન ધારણ કરેલી કવિતાને તેમણે ચોકલેટ ભેટ આપી હતી. બાદમાં તેઓ સફેદ રણનો નજારો નિહાળવા પહોંચ્યા હતા.
સફેદ રણમાં સૌપ્રથમ તેઓ સીમા સુરક્ષા દળના જવાનોને મળ્યા હતા અને તેમની સાથે ગૃપ ફોટો પડાવ્યો હતો. કચ્છના આ ભૌગોલિક સૌંદર્યની માહિતી તેમણે બીએસએફના અધિકારીઓ પાસેથી રસપૂર્વક જાણી હતી. બાદમાં અસ્તાચળમાં સરકતા જતા સૂર્ય અને તેનાથી સર્જાતા નજારાને માણ્યો હતો. આ પ્રસંગે સફેદ રણમાં યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ’કણ કણમાં રણ’ નામક આ સાંસ્કૃતિક કાર્યક્રમને રાષ્ટ્રપતિશ્રીએ રસપૂર્વક માણ્યો હતો. કાર્યક્રમમાં નૃત્ય અને સંવાદ સાથે મરુ ભૂમિના સામાજિક અને આધ્યત્મિક વિકાસની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે રાજ્યના પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવાએ સ્વાગત પ્રવચનમાં ગ્રામીણ પ્રવાસન સ્થળ તરીકે સફેદ રણના વિકાસની વાતો જણાવી હતી. આ વેળાએ રાજ્યમંત્રી ઇશ્વરભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ-ગાંધીધામના મહિલા ધારાસભ્યો, ધોરડોના સરપંચ મિયાં હુસેન, રાજ્ય સરકારના વરિષ્ઠ સનદી અધિકારીઓ એસ. જે. હૈદર, જેનુ દેવન, વી.પી. પટેલ, કલેક્ટર રેમ્યા મોહન, રેન્જ આઇજી ડી.બી. વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.