મહારાષ્ટ્ર ટુરિઝમ આયોજિત અશ્વોનાં મેળામાં સારંગપુરના ‘કનૈયા’એ અનેરી સિદ્ધિ હાંસલ કરી
વિશ્વ વિખ્યાત તીર્થધામ સારંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ યજ્ઞપુરુષ ગૌશાળા પશુઓની ઉતમ ઓલાદો માટે ખુબ પ્રસિદ્ધ છે. ભારત અને ગુજરાતના વિશિષ્ટ ક્ષમતાવાન પશુઓની અહીં વૈજ્ઞાનિક ઢબે માવજત કરવામાં આવે છે. તાજેતરમાં આ ગૌશાળાના પશુઓમાં ‘કનૈયા’ નામના ઘોડાએ ભારતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગૌશાળાની સિદ્ધિઓમાં યશકલગી ઉમેરી છે.
મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્લા ૩૦૦ વર્ષથી ચેતક ફેસ્ટિવલનું આયોજન થાય છે. જેમાં હવે તો મહારાષ્ટ્ર ટુરીઝમના સંયોજનથી ખુબ વિરાટ પાયા પર આ પ્રતિયોગિતા યોજાય છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ રમતો સ્પર્ધાઓની વચ્ચે ઘોડાઓની સ્પર્ધા મુખ્ય હોય છે. આ વર્ષે તા.૧૨ ડિસેમ્બર થી ૮ જાન્યુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં ભારતભરના ઘોડાઓ સ્પર્ધામાં ભાગ લેવા પધાર્યા હતા. કાશ્મીરથી લઈ ક્ધયાકુમારી સુધીના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અનેક જાતવાન ઘોડાઓની આ સ્પર્ધા બધાનું આકર્ષણનું કેન્દ્ર હતી. જેમાં ડાન્સ શો, રેસ, બગી રાઈડ, શ્રેષ્ઠ ઓલાદ વગેરે માધ્યમો દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની હતી. જેમાં સારંગપુરની યજ્ઞપુરુષ ગૌશાળાઓ ‘કનૈયો’ શુદ્ધ કાઠિયાવાડી બ્રીડ માટે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે વિજયી થયો હતો. ઉલ્લેખનીય છે કે આ ગૌશાળાના પાડા, ભેંસ વગેરે અનેક પશુઓએ અગાઉ પણ અનેક રાષ્ટ્રીય ખિતાબો પ્રાપ્ત કરેલા છે.
ઉલ્લેખનીય છે કે બીએપીએસની આ ગૌશાળામાં ભારતભરના ઉતમ પ્રજાતિઓના પશુઓની માવજત કરવામાં આવે છે. પૂ.પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આરંભ થયેલ આ ગૌશાળામાં પશુઓની દેખરેખ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. ગૌશાળાની સ્વચ્છતા અને આરોગ્ય સંભાળ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી છે. આજે પ.પૂ.મહંતસ્વામી મહારાજ પણ પશુઓની સાર સંભાળ માટે પુરતો રસ લઈ રહ્યા છે. ગૌશાળાનું વાતાવરણ પૂર્ણ આઘ્યાત્મિક છે. અખંડ ભજન સાંભળતા આ પશુઓ વૈદિક રાષ્ટ્રની યાદ અપાવે છે.