૨૬મી પુણ્યતિથીએ ‘ગુરૂ’ને ‘અબતક’ પરિવારની ભાવાંજલી
લાભુભાઈ ત્રિવેદીનું નામ પડતા જ એક મુઠ્ઠી ઉંચેરા મહામાનવનું ચિત્ર મનોપટલ ઉપર તાદ્રશ્ય થાય છે. સાદગીની મુરત, સમર્પણનો પર્યાય, ત્યાગની સર્વોચ્ચ સાફ સુતરી છબી, નિષ્કામ કાર્યશૈલી, ઓલીયા જોગી જેવુ અલૌકિક વ્યકિતત્વ, શૂન્યમાંથી સર્જન કરનાર સર્જનહાર જેવા વિશેષણો જેમના માટે ઓછા પડે એવા ગુરુના હલામણા નામની સુખ્યાત લાભુભાઈ ત્રિવેદીની ૨૬મી પુણ્યતિથી નિમિતે આ શબ્દાંજલી એમના જીવન કવનને તાદ્રશ્ય કરવાનો નમ્ર પ્રયાસ છે.
જીવનગાંધી વિચારધારાથી પ્રભાવિત લાભુભાઈ હંમેશા લાઈનીંગવાળુ આખી બાઈનું ખાદીનું શર્ટ, ખાદીનો લેંઘો કે પેન્ટ અને પગમાં સામાન્ય ચપ્પલ પહેરતા એમનું જીવન જ એમનો સંદેશો હતો. લાભુભાઈનો દેખાવ સામાન્ય માનવી જેવો પણ પ્રભાવ અસામાન્ય હતો. લાભુભાઈની સમાજ સેવા મુળીયા ઉંડા હતા. એટલી જ તેમની ચારિત્રયની ઉંચાઈ હતી. લાભુભાઈ બહુ વિનમ્ર ભાવે કહેતા કે ‘ગુણો-અવગુણોથી’ ભરેલુ જીવન ડાઘ વિનાનું રહી ચુકયું હોય તો એમા મારી નિષ્ઠાની સાથે ઈશ્વરની વિશેષ કૃપા રહી છે.
લાભુભાઈનું વ્યકિતત્વ અનેક ક્ષેત્રોમાં પ્રતિબિંબીત થતું રહેતું. સંસ્કારની સોડમ પ્રસરાવતું તેમનું જીવન તેમની સંસ્થાઓમાં જ્ઞાન પ્રિયાષા સંતોષતા દરેક વિદ્યાર્થીઓમાં પામી શકાતું. તેઓ માનતા કે શિક્ષણ સંસ્કારથી દીપે છે. વ્યકિતને જીવનમાં આવનાર અણધાર્યા સંકટ સામે સંઘર્ષ કરવાનું પ્રેરણાબળ પુરુ પાડે છે. પરીણામે તેઓ અનેકાનેક શિક્ષણ સંસ્થાઓના પ્રણેતા, પ્રવર્તક, પ્રચારક અને સુયોગ્ય સંચાલક બનેલા.
શિક્ષણનું મહત્વ તેઓ સુપેરે સમજતા એટલે જ તેઓ વારંવાર કહેતા કે કોઈપણ સમાજ, રાજય કે રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો હોય છે. શિક્ષણની સાથોસાથ સાંસ્કૃતિક, ધાર્મિક અને આઘ્યાત્મિક વારસો જળવાશે તો સમાજની સાથોસાથ દેશ પણ મજબુત બનશે એવું તેઓ દ્રઢપણે માનતા. શૈક્ષણિક સ્તરની પારાશીશીનો આંક જેમ ઉંચો એમ રાષ્ટ્રની સુખાકારી ઉંચીમાં માનનારા લાભુભાઈને એમની આ વિચારાધારાને કારણે જ માનવ સભ્યતાના ઉત્થાનના ભેખધારી તરીકે એમને પ્રસ્થાપિત કરે છે. જન જાગૃતિ એ જ લોકશાહીનો પાયાનો સિઘ્ધાંત છે, માં માનનારા લાભુભાઈ જનજાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા.
મોટાપાયે સાંસ્કૃતિક પ્રવૃતિના પ્રણેતા એવા લાભુભાઈ રંગીલા રાજકોટની શાન સમાન ગણાતા. જન્માષ્ટમીના લોકમેળાના પ્રણેતા હતા. લોકમેળા થકી વિદ્યાર્થીઓમાં વ્યાપારની વ્યવહાર કુશળતા જન્મે એ માટે એમની સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા લોકમેળાના સ્ટોલનું સંચાલન કરાવતા. શિક્ષણ, રાજકારણ, સમાજ સેવા, અન્નદાન, પ્રાણીપ્રેમી, પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં રહ્યા પછી પણ લોકજીવનને ધબકતું રાખે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એટલી જ નિષ્ઠાથી કરતા. તેઓ કલાના ઉતમ ભોકતા હોવાથી કવિ-કલાકારોને સદૈવ પ્રેમ અને આદર સત્કાર આપતા.
જીવનની દડમજલ કાપતા અને એકધારા જીવનચક્રમાં વ્યસ્ત રહેતા શહેરી અન ગ્રામ્યજનને થોડા દિવસોમાં તરોતાજગીથી ભરી દેનારા તહેવારોની ઉજવણીમાં સાંસ્કૃતિક મેળાઓનું મહાત્મય સમાજનારા લાભુભાઈએ શરૂ કરેલા લોકમેળાના કારણે હજારો લોકોને રોજગારી મળી રહે તેવા બેવડા ઉદેશોથી કાર્યો કરી જાણતા આનંદ બજાર અને બાળમેળો, લોકમેળો જેવા નામકરણ સાથે શાસ્ત્રીમેદાનથી શરૂ થયેલી સાંસ્કૃતિક વિરાસત આજે રેસકોર્સના મેદાન પર યોજાતો લોકમેળાના લાભુભાઈ ત્રિવેદી પ્રણેતા છે. એવા ગુરુની ૨૬મી પુણ્યતિથીએ ‘અબતક’ પરીવાર ભાવાંજલી અર્પે છે.
‘ગુરૂ’ના હૈયામાં જનકલ્યાણ શ્વાસે ધબકતુ હતું: નરેન્દ્રસિંહ જાડેજા
લાભુભાઈ ત્રિવેદી મારા માટે પિતાતુલ્ય હતા માટે કંઈપણ કામ કઢાવવા અમો તેઓથી રિસાય પણ જતા અને તેઓને અમને મનાવવામાં વધારે સમય પણ ન લાગતો. ગુરુ એવા અવતારી આત્મા હતા જેના હૈયામાં જનકલ્યાણ શ્વાસે શ્વાસે ધબકતું હતું. જેઓએ શિક્ષણ અને જનકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા હતા.
પિતાતુલ્ય ‘ગુરૂ’ને શબ્દાંજલી આપવા માટેના શબ્દો સર્જાયા જ નથી: મહેશભાઈ ચૌહાણ
‘ગુરૂ’ સાથે એક કાર્યકર અને એક કર્મચારી તરીકેની અમારી નિષ્ઠતા અને પિતા-પુત્રના સંબંધનો અનુભવ કરાવતા કર્મચારી કરતા પુત્રનો દરજજો અમને હંમેશા હુંફ આપતો રહ્યો જેવા ભાવવાહી શબ્દો બોલતા મહેશભાઈ ચૌહાણ ગદગદીત થઈ ઉઠયા હતા. પિતાતુલ્ય ‘ગુરૂ’ને શબ્દાંજલી આપવા માટેના શબ્દો હજુ સર્જાયા નથી એવું કહી મહેશભાઈ ખુબ જ ભાવુક થઈ ગયા હતા. એક ખાસ પ્રસંગને યાદ કરતા મહેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સૌપ્રથમ વખત મોરારીબાપુની કથાનું આયોજન ગુરુજીએ કરાવ્યું હતું ત્યારે વિદ્યાર્થી કાર્યકર તરીકે એમની રામકથાની પોથી ગાદીની સ્ટેજ વ્યવસ્થા અમારા સૌભાગ્યે કરવાનું આવ્યું. આ રીતે ધાર્મિક તેમજ આઘ્યાત્મિક કાર્યક્રમોના આયોજનોમાં તેઓ મહતમ વિદ્યાર્થીઓને તક આપતા જેના કારણે મેનેજમેન્ટના પાઠ શીખવા મળતા. આગળ જતા એ જીવનમાં તેનો ફાયદો થતો રહ્યો છે.
પ્રેરણા લેવા જેવું વ્યકિતત્વ એટલે લાભુભાઈ ત્રિવેદી: જવલંત છાયા
લાભુભાઈ સાથે મારે ખુબ જ અંગત સ્મૃતિઓ છે. મારા કાકા રમેશભાઈ છાયા અને લાભુભાઈ વિદ્યાર્થીકાળના જ મિત્રો. હું જયારે ૬ વર્ષનો હતો ત્યારથી લાભુભાઈ મારા ઘરે આવતા. લાભુભાઈની સંસ્થામાં ૧ થી ૪ ધોરણ અભ્યાસ કર્યો અને ત્યારબાદ કોલેજમાં પણ તેમની સંસ્થામાં અભ્યાસ કર્યો. લાભુભાઈએ શિક્ષણની કે અન્ય કોઈપણ વાતોમાં લોકોને સંગઠિત કરી રચનાત્મક કાર્યો કરેલા છે. તેઓ આજીવન શિક્ષણને સમર્પિત રહ્યા હતા. ખાદી માત્ર એમની પહેરી એમ નહીં પરંતુ ગાંધી વિચારધારા મુજબ કાર્યો આગળ વધાર્યા. એક ઉમદા માણસ અને પ્રેરણા લેવા જેવું વ્યકિતત્વ એટલે લાભુભાઈ ત્રિવેદી.
લાભુભાઈ ત્રિવેદી ‘ગુરૂ’ તરીકે સર્વમાન્ય છે: મનસુખભાઈ જોષી
લાભુભાઈ જેવું મિત્રતાનું સુખ ભાગ્યે જ અન્ય મિત્રો પાસેથી સાંપડયું હતું. લાભુભાઈ એક ખુબ જ સાદગીભર્યું જીવન જીવતા. તેઓની રાજકોટમાં ૨૦ થી વધુ સંસ્થા દ્વારા લાખો વિદ્યાર્થીઓ આગળ વઘ્યા છે. મિત્રોની દરેક મુશ્કેલીમાં તેઓ હરહંમેશા અગ્રેસર રહ્યા છે. આજે તેમની ૨૬મી પુણ્યતિથીએ શબ્દાંજલી આપતા મનસુખભાઈ જોષીએ જણાવ્યું હતું કે, લાભુભાઈ ત્રિવેદીની સાથે તેમના સાથીદારોમાં હું પોતે, રમેશભાઈ છાયા, વિનોદભાઈ બુચ, ઉષાકાંતભાઈ બાકડ, જેન્તીભાઈ કાલરીયાએ સાથે મળીને સમગ્ર રાજકોટની શૈક્ષણિક, સામાજીક અને આર્થિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. જેના પરીણામે રાજકોટની પ્રજાને ખુબ જ મોટો ફાયદો થયેલો છે.
સૌરાષ્ટ્રનું અધ્યાપક જગત લાભુભાઈને હમદર્દ તરીકે ઓળખે છે: પ્રભુદાસ બારોટ
લાભુભાઈ ત્રિવેદી રાજકોટના જાહેર જીવનના મોભી હતા. રાજકારણની હવા ઉપરાંત તેઓ શિક્ષણપ્રેમી હતા. રાજકોટના જાહેર જીવનમાં ઘણા યુવાનોને આગળ લાવનાર લાભુભાઈ ત્રિવેદી મહાન નેતા બની રહેશે. ખુબ જ સાદુ અને સરળ જીવન જીવતા અવર-જવર કરવા માટે રીક્ષાનો ઉપયોગ કરનારા એકમાત્ર નેતા હતા અને ગરીબોને મદદરૂપ થવા માટે તેઓ સદાય સક્રિય રહેતા. લાભુભાઈ ત્રિવેદીનાં નેતૃત્વ હેઠળ ઘણા યુવા નેતાઓએ રાજકોટના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે અને આજ લાભુભાઈનું વિશેષ મુલ્ય છે. મુળીવાદી, સંસ્થાના સંચાલકો સામે જયારે અઘ્યાપક આલમની લડત ચાલતી હતી ત્યારે અમને લાભુભાઈ ત્રિવેદીની હુંફ મળતી હતી. યુનિવર્સિટીઓમાં જયારે સંચાલકો-સતાવાળાઓની સાથે સંઘર્ષના સમયે લાભુભાઈ ત્રિવેદીએ મધ્યસ્થીનો રોલ ભજવી કર્મચારીઓને ખુબ જ ઉપયોગી થયા હતા. સૌરાષ્ટ્રનું અધ્યાપક જગત લાભુભાઈએ હમદર્દ તરીકે ઓળખે છે.
ગુરૂએ કયારેય પક્ષીય દ્રષ્ટિકોણ અપનાવ્યો નથી: કમલેશ જોશીપુરા
વિદ્યાર્થી કાર્યકાળના સમયથી ‘ગુરુ’ સાથે નાતો રહ્યો અને ગુરુએ કદાપિ પક્ષીય દ્રષ્ટિકોણ અપનાવ્યો નથી અને લાભુભાઈ ત્રિવેદી સૌને સાથે લઈને ચાલ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુને કુલનાયક તરીકેની જવાબદારી આવી ત્યારે પણ વિદ્યાર્થીઓને સાંભળી રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થીઓની સમસ્યામાં વ્યકિતગત રીતે રસ દાખવી સમસ્યાઓનો હલ આપતા વ્યકિતની દ્રષ્ટીથી તેઓએ લકઝરીયર્સ કાર રાખી હોત તો કોઈ ના કેત નહીં પરંતુ તેઓ સાદગીથી જ રહેતા અને રિક્ષામાં જ સવારી કરતાં.
યુવા નેતાઓની ટોચની હરોળ ઉભી કરવામાં લાભુભાઈનું યોગદાન અનન્ય: પુરુષોતમભાઈ પીપળીયા
લાભુભાઈ ત્રિવેદીએ ગુરૂ તરીકે સર્વમાન્ય હતા. ગુરૂ તરીકેના જે તમામ ધોરણો હોવા જોઈએ એ તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેઓએ માત્ર શિક્ષણ વ્યવસ્થા જ નહોતી. સ્થાયી પરંતુ તેમાં તેમણે પોતાનું પુરેપુરુ યોગદાન આપ્યું હતું.તે એક સમયમાં એક સીટ માટે બી.એડ કોલેજમાં ૫ થી ૭ લાખ રૂપિયા આપવા પડતા હતા તેવા વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની સુવિધા ગુરુજીએ પુરી પાડી યુવાનેતાઓની ટોચની હરોળ ઉભી કરવામાં લાભુભાઈનું યોગદાન અનન્ય રહ્યું છે. આજના ઘણા નેતાઓને નેતૃત્વના પાઠ શિખવનાર લાભુભાઈના લાભના પદથી હંમેશા દુર રહ્યા. આજે ગુરુની ૨૬મી પુણ્યતિથીએ એમને ભાવભેર શ્રદ્ધાંજલી અર્પણ કરુ છું.
જન્માષ્ટમીના લોકમેળાના પ્રણેતા ‘ગુરૂ’: ગુણવંતભાઈ ડેલાવાળા
લાભુભાઈ ત્રિવેદી રાજકોટવાસીના દિલમાં વસેલા વ્યકિત હતા. શિક્ષણક્ષેત્રે હંમેશા અગ્રતા આપનાર લાભુભાઈ ત્રિવેદીએ રાજકોટમાં લોકમેળાની શરૂઆત કરી હતી તે મેળો આજે પણ યોજાય છે. લાભુભાઈ સર્વેને સાથે રાખી આગળ ચાલનારી વ્યકિત હતા. તેઓનું કોઈ રાજકીય દુશ્મન પણ ન હતું. લાભુભાઈ ત્રિવેદીના ગુણો મેળવીને સરગમ કલબને આગળ વધારુ છું. તેઓ મને કહેતા કે સમાજ કંઈપણ બોલે આપણે આપણુ કામ સાચા મનથી અવિરત ચાલુ રાખવાનું.
ગુરૂ જેવા શિક્ષણવિદ એમના પછી ૨૬ વર્ષે પણ બીજા કોઈ જન્મયા નથી: અશોક ડાંગર
લાભુભાઈ ત્રિવેદી મારા માટે એક આદરણીય વડીલ હતા. લાભુભાઈ ત્રિવેદીના નિધન બાદ રાજકોટ શૈક્ષણિક જગતને ખુબ જ મોટી ખોટ પડી છે. આજે ૨૬ વર્ષે પણ એમની ખોટ વર્તાઈ આવે છે. કોઈપણ વિષમ પરિસ્થિતિને તેઓ ખુબ જ શાંતચિતે નિરાકરણ લાવી શકતા. ઘણી વખત કશું બોલ્યા વગર પણ અમારી ભુલોનું ભાન કરાવતા જે તેમના વ્યકિતત્વને આભારી હતું અને ભવિષ્ય ભાખી શકવામાં તેઓ ખુબ જ સક્ષમ હતા. ભાષા-શુદ્ધિ અને સંયમના માર્ગે ગુરુએ અમને શીખવ્યો હતો. વિદ્યાર્થીઓની લાગણીને સન્માન આપતા. એમની સાદગી, એમનું નિરાભિમાન વ્યકિતત્વ અને કોઈપણ પ્રકારની સમસ્યાઓને હલ કરવાનું તેમનું વ્યવહારીકપણુ હંમેશા દરેકને એમના તરફ આકર્ષિત કરતું અને કોઈપણ વિષમ પરિસ્થિતિને તેઓ ખુબ જ શાંત ચિતે નિરાકરણ લાવતા.
પિતાતુલ્ય ‘ગુરૂ’ જ મારા સાચા માર્ગદર્શક: જીતુભાઈ ભટ્ટ
જયારે હું વિદ્યાર્થીકાળ કોલેજમાં પ્રવેશ્યો ત્યારે અમારા માર્ગદર્શક અને ગુરુ તરીકે લાભુભાઈ ત્રિવેદીને પ્રસ્થાપિત કરેલા છે. એમના નેતૃત્વમાં જ આજે હું જાહેર જીવનમાં આવ્યો છું. નાનામાં નાની વ્યકિત સાથે રહીને સમાજ સેવાની શીખ લાભુભાઈ પાસેથી મને મળી છે. લાભુભાઈ પાસેથી મને મળી છે. લાભુભાઈ અમારી સાથે પિતાતુલ્ય વ્યવહાર રાખતા ત્યારે એ સમયે ૧૯૮૦માં કોંગ્રેસના સંમેલનમાં બહાર જવાનું બન્યું ત્યારે અમે ચાર-પાંચ મિત્રોએ ગુરુ પાસે માંગ કરી કે અમારે ટ્રેનમાં નહીં પરંતુ પ્લેનમાં જવું છે ત્યારે તેમના અંગત ખર્ચથી ૫ હજાર રૂપિયા આપીને અમોને પ્લેનમાં મોકલ્યા તે મારા માટેનો ખાસ પ્રસંગ છે.
‘ગુરુ’એ શિક્ષણને હંમેશા અગ્રતા આપી છે: કિરીટ પાઠક
લાભુભાઈ ત્રિવેદીએ રાજકોટના મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને લાલબહાદુર ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી રાજકોટમાં આશરે ૮ જેટલી કોલેજો અને ૧૦ હાઈસ્કુલો તેમજ ૫ પ્રાથમિક શાળાઓ દ્વારા સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સેવાકીય દ્રષ્ટીએ શૈક્ષણિક સંકુલોની સ્થાપના કરી હતી. ગુજરાત પ્રદેશ મહામંત્રીના સારા હોદા ઉપર હોવા છતાં પણ લાભુભાઈએ હંમેશા શિક્ષણને અગ્રતા આપી હતી. તેઓ ૧૯૬૭માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના સમયે મુખ્ય અગ્રેસર લાભુભાઈ ત્રિવેદી હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલી સિન્ડીકેટના સભ્ય પણ હતા. જયારે અમો ૧૯૮૦ થી ૧૯૮૫ દરમિયાન વિદ્યાર્થીકાળમાં વિદ્યાર્થી તરીકે અવાર નવાર મળવાનું થતું હતું.