પૂર્વોત્તર રાજયોમાં મજબુત સંગઠ્ઠન બનાવવાના ભાજપના લાંબા સમયના પ્રયત્નોને આખરે મળી સફળતા: સીપીએમ, કોંગ્રેસ તૃણમુલનો સફાયો
પૂર્વોત્તર ભારતના સાત રાજયોમાં મજબુત પાર્ટી સંગઠ્ઠન બનાવવા માટે ભાજપ પક્ષે લાંબા સમયથી મહેનત કરી રહ્યું છે. જેના સારા પરિણામો મળી રહ્યા હોય તેમ સાતમાંથી છ રાજયોમાં ભાજપ સત્તામાં કે કીંગમેકરની ભૂમિકામાં આવી ગયું છે. જયારે કોંગ્રેસ પાર્ટીનો સફાયો બોલી જવા પામ્યો છે. ત્રિપુરામાં સત્તાધાર ભાજપ પક્ષે સ્થાનિક સ્વરાજયની પેટા ચૂંટણીઓમાં ૬૭માંથી ૬૬ બેઠકો મેળવી પાર્ટીને વધુ મજબુત સ્થિતિમાં મૂકી દીધી છે. જયારે, સીપીએમને એક માત્ર બેઠક મળતા પાર્ટીનો કારમો રકાસ થવા પામ્યો છે.
અગરત્તલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર વોર્ડોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ ૪૯ બેઠકો ભાજપે જીતી લીધી હતી. ભાજપના ઉમેદવારોએ સીપીએમ અને કોંગ્રેસના હરિફ ઉમેદવારોને ભારે બહુમતિથી હરાવીને આ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જયારે પાનીસાગર મ્યુનિસિપલ કાઉન્સીલની એકમાત્ર બેઠક પર સીપીએમના ઉમેદવારનો વિજય થયો હતો. ભાજપના ઉમેદવારોએ ૧૧ સભ્યોની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૧૦ બેઠકો મેળવી હતી.
ગૂ‚વારે યોજાયેલી ત્રિપૂરાના સાત શહેરી વિસ્તારોની સ્થાનિક સ્વરાજયની પેટા ચૂંટણીમાં હિંસા અને મતદાનમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે ૮૧.૩૬ ટકા મતદાન થયું હતુ વિરોધ પક્ષો સીપીએમ, કોંગ્રેસ, તૃણમુલ વગેરેએ ભાજપના સમર્થકો પર ચૂંટણીમાં હિંસા કરાવાનો આક્ષેપ મૂકયો હતો. જોકે ભાજપે આ આક્ષેપોનો ઈન્કાર કરીને શાસક પક્ષ ભાજપનો વિજય નિશ્ર્ચિત હોય વિપક્ષો ખોટા આક્ષેપો કરી રહ્યાનો દાવો કર્યો હતો. પાર્ટીના વિજય બદલ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેબે મતદારોનો આભાર માનીને રાજયમાં ભાજપ સરકારે ચાલુ રાખેલ વિકાસ કાર્યો ચાલુ રાખવાની ખાત્રી આપી હતી.
જયારે, આ હાર અંગે મુખ્ય વિરોધ પક્ષ સીપીએમની રાજય સમિતિના સભ્ય પાલીત્રા કરે જણાવ્યું હતુ કે રાજયમાં નવી સરકાર આવ્યા બાદ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ચૂંટાયેલા સીપીએમના સભ્યોને રાજીનામા આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ખાલી જગ્યાઓ પર ભાજપ અને આઈપીએફટી પાર્ટી પોતાના ઉમેદવારોને ચૂંટી કાઢવા ધાકધમકી અને હિંસાનું વાતાવરણ સર્જી રહ્યું છે જે એક બિન લોકશાહી પ્રક્રિયા છે. આ પેટા ચૂંટણી યોજવા માટેનું કોઈ યોગ્ય કારણ સત્તાધારી પાર્ટી પાસે નથી.