૧૯ રાષ્ટ્રીયકૃત બેંકોને ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ માસમાં રૂ.૨૧,૩૮૮ કરોડનું નુકસાન
કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે લોન આપવામાં ચુક કરવા માટે સરકારી બેંકોના ૬ હજારથી વધારે અધિકારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે. જેટલીએ લેખિત જવાબમાં કહ્યું કે દોષી અધિકારીઓને દંડિત કરવામાં આવી રહ્યા છે. જયારે નોકરીમાંથી બરખાસ્ત, કમ્પલ્સરી રિટાયરમેન્ટ અને ડિમોશન જેવા પગલા સામેલ છે.
જેટલીએ વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રીયકૃત બેંકોથી મળેલી જાણકારી અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૦૪૯ અધિકારીઓએ લોન આપવામાં ચુક થઈ હોવા માટે દોષિત ઠેરવ્યા હતા. જેને લઈને પંજાબ નેશનલ બેંકનું કૌભાંડ થયું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, દોષીત અધિકારીઓની સામે નાના/મોટા દંડ પણ ફટકારવામાં આવ્યા છે અને એનપીએની રકમના આધારે તમામ મામલે સીબીઆઈ અને પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પીએનબી અને કેનેરા બેંક સહિત ૧૯ રાષ્ટ્રીયકૃત બેંકોને ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં ૨૧,૩૮૮ કરોડ રૂપિયાનું શુઘ્ધ નુકસાન થયું છે. જયારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની સમાન અવધિમાં કુલ નુકસાન ૬૮૬૧ કરોડ રૂપિયા હતું. કેન્દ્રીય નાણા રાજયમંત્રી શિવપ્રતાપ શુકલાએ કહ્યું કે, સરકારી બેંકોના ૨૫ કરોડ રૂપિયાથી વધારે રકમના કોઈપણ લોન એકાઉન્ટને જુન ૨૦૧૪ બાદથી એવરગ્રીન ઘોષિત નથી કરાયું.
રાજસભામાં એક વધુ લેખિત જવાબમાં શુકલાએ કહ્યું કે, બેડ લોનની ઓળખમાં પારદર્શિતા રાખવાના કારણે બધી કોર્પોરેટ બેંકોનું એનપીએ વર્ષ ૨૦૧૬ના માર્ચના અંતમાં ૫.૬૬ લાખ કરોડ રૂપિયાથી વધીને વર્ષ ૨૦૧૮ના માર્ચના અંતમાં ૯.૬૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું. ત્યારબાદ રકમ ઘટીને ૯.૪૩ લાખ કરોડ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, સરકારી બેંકોમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૬૦,૭૧૩ કરોડ રૂપિયાનો રેકોર્ડ રિકવરી કરાયો છે. આ આંકડો પાછલા નાણાકીય વર્ષની તુલનામાં ડબલ છે.