સમિતિઓની રચના વખતે પક્ષના મેન્ડેટ વિરુધ્ધ મતદાન કરનાર સભ્યો સામે થયેલી રીટ બાદ હાઈકોર્ટનો હુકમ: નામોનિદેશ અધિકારી ૧૧ સભ્યોનું સભ્યપદ રાખવું કે હટાવવું તેનો નિર્ણય લેશે
જિલ્લા પંચાયતના ૧૧ બાગી સભ્યો મુદ્દે ત્રણ અઠવાડિયામાં નિર્ણય લઈ લેવાનો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની સમીતીઓની રચના વખતે પક્ષના મેન્ડેટ વિરુધ્ધ મતદાન કરનાર સભ્યો સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જેના પગલે હાઈકોર્ટે ત્રણ અઠવાડિયામાં નામોનિદેશ અધિકારીને સભ્યોનું સભ્યપદ રાખવું કે હટાવવું તેનો આદેશ કર્યો છે.
જિલ્લા પંચાયતમાં સમીતીની રચના વખતે ૧૧ સભ્યોએ કોંગ્રેસ પક્ષે આપેલા મેન્ડેટ વિરુધ્ધ મતદાન કરીને સમીતીઓ પર કબજો જમાવ્યો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા નામોનિદેશ વિભાગને રજૂઆતો કરવામાં આવી હતી. બાદમાં આ મામલે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરવામાં આવી હતી. આ રીટના પગલે હાઈકોર્ટે જિલ્લા પંચાયતના ૧૧ બાગી સભ્યોનો ફેંસલો ૩ અઠવાડિયામાં કરી નાખવાનો નામોનિદેશ વિભાગને આદેશ કર્યો છે.
નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના ૧૧ સભ્યોએ પક્ષની વિરુધ્ધ જઈને મતદાન કર્યું હતું. જેમાના ૫ સભ્યો તો હાલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ પણ ગયા છે. આગામી ત્રણ અઠવાડિયામાં નામોનિદેશ વિભાગ દ્વારા ૧૧ બાગી સભ્યોનું સભ્યપદ યથાવત રાખવું કે હટાવી નાખવું તે અંગેનો નિર્ણય લેવામાં આવનાર છે. જો આ સભ્યોનું સભ્યપદ યથાવત રાખવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા હજુ પણ આ લડાઈ જારી રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ ૧૧ સભ્યોનો ફેંસલો કરશે નામોનિદેશ વિભાગ
નિલેશ વિરાણી, કે.પી.પાદરીયા, હંસાબેન ભોજાણી, હેતલબેન ગોહેલ, વજીબેન સાકરીયા, ભાનુબેન તળપદા, ચતુરભાઈ રાજપરા, રાણીબેન સોરાણી, નાથાભાઈ મકવાણા, રેખાબેન પટોડીયા, મગનભાઈ મેટાળીયા.