આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન ગુજરાત સાથે વેપાર-ઉદ્યોગ કરીને ઉભુ થવાનો પ્રયત્ન કરશે: આઝાદી પહેલા કરાંચી જેવા પાકિસ્તાની શહેરો સાથે ગુજરાતને વેપારી સંબંધો રહ્યાં હતા
આગામી માસે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપવામાં આવ્યું છે. આઝાદી પહેલાના સમયની ગુજરાતના કરાંચી સહિતના હાલના પાકિસ્તાનના શહેરો વેપાર-ધંધાથી જોડાયેલા છે. દુનિયાભરમાંથી વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળ ગ્લોબલ સમીટમાં બિઝનેસ કરવા આવી રહ્યાં છે. જયારે હાલમાં આર્થિક રીતે ખખડી ગયેલું પાકિસ્તાને ગુજરાત સાથે વેપાર વિકસાવવા તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં વિકાસ, શાંતિ અને વેપાર ઉદ્યોગ માટે સારું વાતાવરણ હોય પાકિસ્તાન આકર્ષાયુ હોય તેમ જાણવા મળ્યું છે.
આગામી માસે ૧૯ જાન્યુઆરીથી ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વેપાર ઉદ્યોગ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવતું હોય તથા વેપાર, શાંતિ માટે ગુજરાત શ્રેષ્ઠ રાજય હોય આફ્રિકા, યુરોપ સહિત દુનિયાભરના દેશો આ ગ્લોબલ સમીટમાં ભાગ લઈને ગુજરાત સાથે વેપાર-ઉદ્યોગ કરવા આગળ આવ્યા છે. આઝાદી પહેલા કરાંચી, સિંઘ સહિતના હાલના પાકિસ્તાનમાં રહેલા શહેરો સાથે વેપાર સંબંધો હતા. આ વેપાર ઉદ્યોગ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે દરિયાઈ કાંઠાની વધારે થતો હતો.
એક સમયે કરાંચી બંદર પણ વિશ્વ વેપાર ઉદ્યોગનું એક મહત્વનું સ્થાન હતું. પરંતુ આતંકવાદીઓને પ્રોત્સાહન આપીને પાકિસ્તાને હાથે કરીને સુળ ઉભુ કર્યું હતું. જેથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં પાકિસ્તાનની હાલત કથડી ગઈ છે. હાલમાં ઈમરાન ખાનની સરકારને પાકિસ્તાનને આર્થિક સહાય કરવા સાઉદી અરેબીયા પાસે હાથ લાંબો કરવો પડે છે. જેથી વેપાર ક્ષેત્રમાં ફરીથી પાકિસ્તાન આગળ વધે તે માટે પાકિસ્તાની વેપારીઓએ ગુજરાત પર નજર ફેરવી છે. ગુજરાત સરકારે પણ પાકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સને વૈશ્વિક કોન્ફરન્સ્માટે આમંત્રણ પાઠવ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૯ અંતર્ગત ૧૯મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ૫૩ દેશોની ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સે ભાગ લેવા સંમતિ દર્શાવી છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા આર્થિક રીતે નબળા એશિયાઈ દેશોએ ભાગ લેવાની તૈયારી દર્શાવીને સતત વિકસતા જતા ગુજરાત સાથે વેપાર-ધંધો કરીને પોતાનો પણ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરીને આર્થિક રીતે સક્ષમ થવા કમરકસી છે.