ગ્રામ્ય વિસ્તારની સુરક્ષા અંગે રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંહનો પોલીસ અધિકારીઓને વિલેજ વિઝીટ કરવા આદેશ
રાજકોટ રેંજ હેઠળ આવતા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા જીલ્લાઓમાં મિલ્કત વિરોધી ગુનાઓ તેમજ અન્ય ગુનાખોરી અટકાવવા માટે રેંજ આઇ.જી. એ પાંચેય જીલ્લાના એસ.પી. અને અન્ય અધિકારીઓની મેરેથોન બેઠક યોજીને કવીક એકસન પ્લાન બનાવ્યો છે.જેમાં સૌથી અગત્યનો પોલીસ હવે તમારા દ્વારે વિલેજ વિઝીટ (વી.વી.) પ્લાન કે જેમાં પોલીસ અધિકારીએ સપ્તાહમાં એક વખત પોતાના એરિયાના ગામની મુલાકાત ફરજીયાત પણે લઇને ગ્રામજનોના સુરક્ષા સબંધી પ્રશ્નો ઉકેલવાના રહેશે.
રેંજ આઇ.જી. સંદિપસિંહ આપેલી વિગતો મુજબ બેઠકમાં ત્રણ ડીસીઝન અને પ્લાન બનાવાયા છે. જેમાં રેંજમાં નાઇટ પેટ્રોલીંગ, વિલેજ વિઝીટ તથા પેન્ડીંગ કેસોના નિકાલ સબંધે કામગીરી કરવાની રહેશે. ગ્રામજનો પોલીસમથકોએ આવતા પણ અચકાતા હોય છે અથવા તો જે તે ગામથી પોલીસ સ્ટેશનો દુર થતા હોય ઘણાખરાને તો ખ્યાલ પણ નથી હોતો. કયારેય ગામના કોઇ એવા ઇસમના ડરને લઇને પોલીસમથકે જઇ શકતા નથી. હવે ખુર પોલીસ અધિકારી સપ્તાહમાં એક ગામની વિઝીટ લેશે. એ પહેલા જે તે સરપંચને જાણ કરાશે અને ગામના કોઇ વ્યકિતઓને કોઇ મુશ્કેલીઓ કે પ્રશ્નો હોય કે અસમાજીક પ્રવૃતિઓ ચાલતી હોય તો તેની રજુઆત ઘ્યાને લઇ તત્વરીત કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે. ખરી અમલવારી થશે તો ગ્રામજનો પણ નિર્ભયીક બની શકશે અને પોલીસ એલર્ટ થવાની ગુનાખોરી પણ ઘટશે.
મિલ્કત વિરોધી ગુનાઓ, ચોરીઓ અટકાવવા માટે હવે ખુદ ડી.વાય.એસ.પી. એ જ સપ્તાહમાં બે વખત નાઇટ રાઉન્ડમાં નીકળવું પડશે. પાંચ જીલ્લામાં હાલ ૧૯ ડીવાયએસપી છે. તેઓ નાઇટમાં નીકળે ત્યારે એન્ટ્રી અને સંબંધીત પોલીસ મથકોની વિઝીટ કરશે અને જે તે પોલીસ મથકનો ૩૦ ટકા સ્ટાફ નાઇટ રાઉન્ડમાં છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે. જો ડીવાયએસપી કોઇ સંજોગોમાં નાઇટમાં ન નીકળી શકે તો તેની વૈકલ્પિક વ્યવસ્થા એસ.પી.એ. કરવાની રહેશે. આ ઉ૫રાંત વાહન ચેકીંગ, હિસ્ટ્રીસીટરોને સમયાંતરે ચેક કરવા તેઓના કામ પર વોચ રાખવી, પોતાના વિસ્તારોની હોટલો, બસ સ્ટેશનો, ગેસ્ટ હાઉસ, રેલવે સ્ટેશનો પર ચેકીંગ અને સતર્કતા રાખવાની રહેશે. સરવાળે રેંજ આઇ.જી.નો ઓન પેપર એકસન પ્લાન સારો છે પરંતુ અમલવારી કેવી સફળ રહે તે સમય બતાવશે.
જે રીતે પાંચ જીલ્લામાં સુરક્ષા સબંધી ગોઠવણ ઉભી કરાઇ છે તે ખરા અર્થમાં એકટીવ છે કે નહીં તેની રેંજ આઇ.જી. અને પાંચેય એસ.પી.એ વ્યવસ્થા ઉભી કરી છે. નાઇટ રાઉન્ડમાં નીકળેલા અને વિલેજ વીઝીટ લેનારા અધિકારીઓને જે તે સ્થળના કામગીરીના ફોટોગ્રાફસ, વિગતો પોતાના એસ.પી.ને વોટસએપથી રોજ સવારે આપવાની રહેશે. અને જે તે એસ.પી.રોજે રેંજ આઇ.જી ને વોટસએપથી ડિટેઇલ આપશે. આ ઉપરાંત કામગીરીની વિગતવાર ફેકસથી વિગતોની જાણ કરવાની રહેશે. જેથી નાઇટમાં મહત્તમપણે અધિકારીઓ એન્ટ્રી પાડીને ઘરે આરામ ફરમાવતા હોય અને સ્ટાફ સાહેબના નામે નાઇટ રાઉન્ડમાં હોય તે નહીં ચાલે જો કે આ બધુ આરંભે સુરા જેવું કે ઓન પેપર જ ન બની રહે એ જોવું રહ્યું.