ત્રિપલ તલાકને લગતાં બિલ પર ગુરૂવારે લોકસભામાં ચર્ચા શરૂ થઈ. હોબાળાની વચ્ચે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગૃહમાં બિલ રજૂ કર્યું. તો લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બિલને જોઈન્ટ સિલેક્ટ કમિટીની પાસે મોકલવાની માગ કરી. જો કે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બિલ પર ચર્ચા શરૂ કરાવી દીધી. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું- કોંગ્રેસ ઈચ્છત તો આ બિલ 30 વર્ષ પહેલાં પાસ કરાવી શકી હોત.
પરંતુ તેઓએ ભાગલાના રાજકારણને જ પ્રાથમિકતા આપી. આ બિલ પહેલાં બે વખત લોકસભામાં પસાર થઈ ચુક્યું છે, પરંતુ બંને વખત આ ખરડો રાજ્યસભામાં અટકી ગયો. આ વખતે સરકાર ઈચ્છે છે કે 8 જાન્યુઆરીએ સંસદનું સત્ર પૂર્ણ થાય તે પહેલાં બંને ગૃહમાં બિલ પાસ થઈ જાય.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ત્રણ તલાક સાથે જોડાયેલું બિલ મહત્વપૂર્ણ છે, જેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. આ બંધારણને લગતો મામલો છે. હું અનુરોધ કરુ છું કે આ બિલને સંયુક્ત પ્રવર સમિતિને પાસે મોકલવામાં આવે. જોઈન્ટ સિલેક્ટ કમિટીમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સભ્યો હોય છે. જો કોઈ સભ્ય કોઈ બિલમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરે છે તો તેને જોઈન્ટ સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે છે. આ કમિટીના સભ્યોમાં કોણ સામેલ કરવામાં આવશે તેનો નિર્ણય ગૃહ કરે છે.