નવી બોટલમાં જૂનો દારૂ
જાનૈયાઓની સલામતી સામે જોખમ: રાજકોટ ડિવિઝનના ૯ ડેપોમાં કુલ ૯ બસો જાન માટે ફાળવવામાં આવી
રાજય સરકાર દ્વારા રાહતદરે એસ.ટી.બસ લગ્ન પ્રસંગે આપવાની યોજના અમલી કરતા મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે. જો કે, આ લગ્ન પ્રસંગ માટેની બસ કોઈ નવી બસ નથી પરંતુ જે એસ.ટી. બસો ૮ લાખ કિ.મી. દોડી ગઈ છે તેવી બસને નવીનીકરણ કરીને લગ્ન પ્રસંગ માટે શણગારવામાં આવી છે. જો કે આ બાબતે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, જાનૈયાઓની સલામતી સામે જોખમ ઉભુ થયું હોય રાજકોટ એસ.ટી. ડિવિઝનના કુલ ૯ ડેપોમાં આ ૯ બસો જાન માટે ફાળવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ડિસેમ્બરમાં આ વર્ષે વધુ પ્રમાણમાં લગ્ન પ્રસંગ યોજાયા હતા. રાજકોટ એસ.ટી.ડિવિઝનમાં ૧ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન લગ્ન પ્રસંગમાં લઈ જવા માટે ૮૮ જેટલી એસ.ટી. બસ બુક થઈ છે. સરકારની યોજના મુજબ કોઈપણ વ્યક્તિને લગ્ન પ્રસંગે આવક-જાવક ૧૨૦ કિ.મી.ની અંદર જાન લઈને જવું હોય તો ૩૪ સીટર મીની બસના રૂ.૩ હજાર અને ૫૧ સીટર એકસપ્રેસ બસના ૬ હજાર ચૂકવી લાભ લઈ શકે છે. જો કે આ રાહતદની યોજના માટેની લગ્ન પ્રસંગની બસ જાનૈયાઓ માટે અસલામત સાબીત પણ થઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે, રાજકોટ એસ.ટી. ડિવિઝનના ૯ ડેપોમાં કુલ ૯ બસો લગ્ન પ્રસંગ માટે ફાળવાઈ છે. આ તમામ ૯ બસો જે અગાઉ ૮ લાખ કિ.મી. ચાલી ગઈ છે તેઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં તમામ બસના પૈડાઓ તેમજ એન્જીન બદલી નાખવામાં આવ્યું છે અને લગ્ન પ્રસંગે માટે શણગારવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનનું ૮૮ બસનું બુકિંગ થયું છે ત્યારે ડિવિઝનના ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના અન્ય ૯ ડેપોમાંથી કુલ ૧૪૦થી પણ વધુ બસનું લગ્ન પ્રસંગ માટે બુકિંગ થયું છે. જો કે, આ બસો ૮ લાખ કિ.મી. ચાલી ગઈ હોય જાનૈયાઓને સલામતી જોખમાય તેવું લાગી રહ્યું છે.