ભગવતીપરાના નામચીન શખ્સ દારૂનું કટીંગ કરે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચ પહોંચતા બુટલેગર અને ટ્રક ચાલક ફરાર: ટ્રક અને દરૂ મળી રૂ.૩૨.૩૧ લાખનો મુદામાલ કબ્જે
૩૧ ડિસેમ્બરની દારૂ પી ઉજવણી કરવાની વણ નોંધાયેલી પરંપરાના કારણે બુટલેગરો વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવવાની આગોતરી તૈયારી કરતા હોય છે તેમજ પ્યાસીઓ પણ બોટલની વ્યવસ્થા કરી શરાબ સાથે મહેફીલ યોજી પાર્ટીને રંગીન બનાવતા હોય છે તો પોલીસ પણ શરાબ સાથે પાર્ટીના થતા આયોજન અટકાવવા લીસ્ટેડ બુટલેગરો પર વોચ ગોઠવી વિદેશી દારૂના વેચાણ પર રોક લાવતા હોય છે. ગતરાતે ભગવતીપરાના નામચીન શખ્સે વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૧૭.૩૧ લાખની કિંમતની ૫,૭૭૨ બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી લીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરાના નામચીન નાશીર ઇબ્રાહીમ મોડ નામના શખ્સ ૩૧ ડિસેમ્બર નિમિતે વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવવાનો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયાએ ભગવતીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એચ.બી.ત્રિવેદી, કે.કે.જાડેજા, રઘુભા વાળા અને રાજેશ બાલા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભગવતીપરામાં આવેલી મોડર્ન સ્કૂલ પાસે ખેતરમાં આર.જે.૧૯જીડી. ૩૪૨૭ નંબરનો ટ્રક નજરે પડતા પોલીસ સ્ટાફે મોડી રાતે ટ્રકની તપાસ કરતા તેમાં ભુસુ ભરેલું જોવા મળ્યું હતું. ભુસાના બાચકા હટાવતા તેની નીચે છુપાવેલી રૂ.૧૭.૩૧ લાખની કિંમતની ૫૭૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂ.૧૫ લાખની કિંમતનો ટ્રક કબ્જે કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન અગાઉ મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલા નાશીર મોડ નામના શખ્સે ૩૧ ડિસેમ્બર માટે વિદેશી દારૂ મગાવ્યાનું બહાર આવતા પોલીસે નાશીર મોડ અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.