મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયું ખેડૂત સંમેલન
અછતગ્રસ્ત તાલુકાઓના લાભાર્થી ખેડૂતોને મુખ્યમંત્રીના હસ્તે સહાયના ઓર્ડર તેમજ ચેક અર્પણ કરાયા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં હેમુગઢવી હોલમાં આજે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી આર.સી.ફળદુ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે રાજકોટ જિલ્લાના ૮ તાલુકાઓના ૧૫૦૦ જેટલા ખેડૂતો હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થી ખેડૂતોને અછતની સહાયના ચેક તેમજ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.
મુુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારનું પ્રથમ શુશાસન વર્ષ પૂર્ણ થવા અવસરે રાજકોટમાં કિસાન સંમેલન યોજવામાં આવ્યું હતું. આજે કિસાન સંમેલનમાં મુખ્યમંત્રીએ ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ૨૩.૨૪ લાખ ખેડૂતોને ૪૦.૩૨ લાખ હેક્ટર માટે અંદાજે ૨૨૮૫.૫૯ કરોડની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં રાજકોટના ૮ તાલુકાના ૨.૪૦ લાખ કિસાનોને ૧૯૧.૧૯ કરોડ રૂપિયા પાક નુકસાની ઇનપુટ સહાય ચુકવાશે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી આર સી ફળદુ સહિત રાજ્ય ના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તકે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના પાકને ભૂંડ નીલગાયથી થતા નુકસાનથી બચાવવા ખેતર ફરતે કાંટાળી તારની વાડની કિસાન હિતલક્ષી યોજના અંતર્ગત પણ સહાય ચુકવણી કરાશે. ૩૩૦૦૦ લાભાર્થીઓ ને૨૬૩૦૦ હેક્ટર વિસ્તાર માટે આવી વાડ બનાવવા ૨૮.૬૨ કરોડ સહાય આપવામાં આવશે.
સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા સહાયનું ધોરણ ૭૦ ટકાથી વધારી ૮૫ ટકા કરવામાં આવ્યું છે. ૧૦ લાખથી વધુ કિસાનોએ ડ્રીપ ઇરીગેશન અપનાવી ૧૭ લાખથી વધુ હેક્ટર જેટલા વિક્રમી વિસ્તાર માં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી કરી છે.
રાજ્યના ખેડૂતોની ઉપજની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત રાજ્ય સરકારે બે વર્ષ માં ૬૮૪૦.૨૨ કરોડના મૂલ્યની ૧૪.૯૮ લાખ મેં.ટન જથ્થો ટેકાના ભાવે ખરીદી ૭.૨૨ લાખ ખેડૂતોને લાભ આપ્યો છે.
આ વર્ષે સરકારે અત્યાર સુધીમાં ૭૯૩.૪૫ કરોડ ની ૧.૫૮ લાખ મેં ટનથી વધુ મગફળી ટેકાના ભાવ ઉપરાંત ૧૧૦ રૂપિયા વધારાનું બોનસ જાહેર કરી ખરીદી.૭૯ હજાર કિસાનોને લાભ મળ્યો છે.
કિસાન હિતલક્ષી નિર્ણય કરતી સંવેદનશીલ સરકાર દ્વારા ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય રકમ બમણી કરવામાં આવી છે. અકસ્માતે ખેડૂતના મૃત્યુના કિસ્સામાં ૧ લાખની સહાય ૨ લાખ કરવામાં આવી છે. કાયમી પંગુતાના કિસ્સામાં ૫૦ હજાર સહાયના ૧ લાખ કરવામાં આવી છે. આવી કુલ સહાય ૩.૮૫ કરોડ અકસ્માત વીમા સહાય રાજ્ય સરકારે અત્યાર સુધીમાં આપી છે.