ધર્મ-જાતિથી ઉપર ઉઠી ‘રાષ્ટ્રીયતા’ને પ્રાધાન્ય આપો: જનરલ બક્ષી
સ્વામી ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથા શિબીરના બીજા દિવસે પ્રવચન સત્ર દરમ્યાન સ્વામી ધર્મબંધુજી લશ્કરના નિવૃત જનરલ જી.ડી.બક્ષી, કેન્દ્રીય હવામાન ખાતાના ડી.જી. ડો.કે.જે.રમેશ અને શક્તિમાન ફેઈમ મુકેશ ખન્નાના પ્રેરક પ્રવચનો યોજાયા હતા.
લશ્કરના નિવૃત જનરલ જી.ડી.બક્ષીના શોર્યતા સિંચીત કરતા સંબોધનમાં ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુધ્ધના સંસ્મરણો રજૂ કર્યા હતા. તે વેળા માત્ર ૧૩ દિવસના યુધ્ધમાં પાકિસ્તાન સીમામાં ૫૫૦ કિલોમીટર સુધી પ્રવેશીને, અત્યાર સુધીના અકબંધ રહેલ વિશ્વ વિક્રમી ૯૧૦૦૦ સૈનિકોને આપણે શરણાગતિ લેવાની ફરજ પાડી હતી.
વધુમાં તેમણે સ્વાતંત્રય પૂર્વે જાતિવાદની સમસ્યાથી ગ્રસિત આ રાષ્ટ્રને હજારો વર્ષની ગુલામીમાં સબડવું પડયું છે. આમ છતાં આપણા રાજકારણીઓએ તેમાંથી બોધપાઠ લેવાના બદલે પ્રત્યેક મુદ્દાઓમાં રાષ્ટ્રીય હિતના બદલે રાજકીય હિતથી મુલવવામાં આવે છે. આપણી ચૂંટણી પ્રથામાં પણ ધર્મ અને જાતિવાદ પર ભાર આપવામાં આવી રહ્યો હોય દેશનું ભાવિ અંધકારમય દિશામાં જઈ રહ્યું છે. શિબીરાર્થીઓને તેમણે પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મ જાતિથી ઉપર ઉઠીને ‘રાષ્ટ્રીયતા’ને પ્રાધાન્ય આપવાની આવશ્યકતા દર્શાવી હતી.
કેન્દ્રીય હવામાન ખાતા (નવીદિલ્હી)ના ડેપ્યુટી જનરલ ડો.કે.જે.રમેશએ ઔદ્યોગિક કૃષિ પ્રગતિની સાથે-સાથે પ્રદુષણમાં થયેલ વધારાએ જનજીવન પર ખતરો વધાર્યો છે. દિન-પ્રતિદિન જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહેલ છે. શુધ્ધ હવા-પાણીના સાંસા પડી રહ્યાં છે. જેને નજર અંદાજ કરી શકાય તેમ નથી.
વરસાદને તેમણે રાષ્ટ્રની જીવન રેખા દર્શાવીને પાણીના યથાર્થ ઉપયોગ સાથેના તેના સ્ત્રોતોને પુન:જીવીત, પુન: ઉપયોગ વગેરે પર ભાર મુકયો હતો. પ્રદુષણની માત્રામાં થતા વધારાથી ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ગેસનો સામનો કરવાની નોબત આવી છે. તેના દુષ્પરિણામો સ્વરૂપ વિચિત્ર બિમારીઓમાં વૃધ્ધિ, અતિ વૃષ્ટિ-અનાવૃષ્ટિ, તાપમાનમાં અસહ્ય વધારો, અતિ ઠંડી વગેરે સમસ્યાઓ આપણે વેઠી રહ્યાં છે. આ માટે નાગરિક જાગૃતિ એ જ ઉપાય છે.
સ્વામી ધર્મબંધુજીએ સોશિયલ મીડિયાના વળગણને વખોડતા જણાવેલ કે, અધકચરી માહિતીને લોકો જ્ઞાન માની બેસે છે. આ માત્ર અનઅધિકૃત માહિતી છે જે જ્ઞાન કહીના શકાય અને કોરૂ જ્ઞાન એ બુધ્ધિમતા નથી.
આ તબકકે તેમણે જ્ઞાન વિચાર-બુધ્ધિ-વિવેક-અનુભવ અને સંસ્કાર સમૃધ્ધ હોવું જોઈએ તેવું વિસ્તારપૂર્વક વિવિધ દ્રષ્ટાંતોથી સમજાવ્યું હતું. આમ પાંચ પ્રકારના ગુણોથી સમૃધ્ધ જ્ઞાન પામીને તેનું આચરણ કરવું અને સમયાંતરે તેને પારખતા રહેવાની શીખ આપી હતી. આદિ શંકરાચાર્યના સુત્રને ટાંકીને ધર્મબંધુજીએ જણાવેલ કે, વિદ્દાન જ્ઞાનથી જોઈ શકે છે, જયારે સામાન્ય વ્યક્તિ આંખથી જોતા હોય છે.
જ્ઞાનથી સજ્જ થવાની સાથે-સાથે તેમણે વિચારશીલ થવાની આવશ્યકતા જણાવીને કહ્યું કે, જે પ્રજા વિચારવાનું બંધ કરી દે છે તે વિકાસના દ્વાર આપો આપ બંધ કરી દે છે. વધુમાં તેમણે જે વસ્તુને વાત છુપાવવી પડે તે પાપ છે તેમ જણાવી ભુલ થાય તો તે સ્વીકારવાની અને સુધારી લેવાની ક્ષમતા હાંસલ કરનાર વ્યક્તિ જ મહાન બની શકે તેમ સમજાવ્યું હતું.
શક્તિમાન ફેઈમ મુકેશ ખન્ના છેલ્લા એક દાયકાથી પ્રત્યેક શિબીરમાં અહીં હાજરી આપે છે તેનું કારણ આપતા તેમણે જણાવેલ કે, અહીંયા રાષ્ટ્રના ભાવી કર્ણધારોમાં રાષ્ટ્રીયતાના સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. તેમણે પોતે ફિલ્મ લાઈનમાં હોવા છતાં તમાકુ-શરાબથી દૂર રહ્યાનું જણાવીને શરીરની મંદિર જેવી પવિત્રતા જાળવવા અનુરોધ કર્યો હતો.