અમરેલીમાં આયોજીત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ: સંમેલનમાં નિદાન કેમ્પ, મલ્ટી નેશનલ કંપની સાથેના વર્કશોપ, ચિંતન શિબિર, વ્યસનમુકિત શિબિર તેમજ માર્ગદર્શન સેમીનારો યોજાયા
અમરેલી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ તકે મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો ઉમટી પડયા હતા. સવારથી શરૂ થયેલું આ મહાસંમેલન સાંજ સુધી ચાલ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલીના કમાણી ફોરવર્ડ હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે પ્રમુખ ભરતભાઈ ટાંકના માર્ગદર્શન હેઠળ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના મહાસંમેલનનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ હાજરી આપી હતી. આ સંમેલનમાં નિદાન કેમ્પ, મલ્ટી નેશનલ કંપની સાથેના વર્કશોપ, ચિંતન શિબિર, વ્યસનમુકિત શિબિર તેમજ અન્ય માર્ગદર્શન સેમીનારો પણ યોજવામાં આવ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દરેક સમાજના વિકાસમાં સહભાગી થવા તક મળે તે માટે સરકાર કટિબઘ્ધ છે. જનહિતના પ્રશ્ર્નો માટે સરકારના દરવાજા હંમેશા ખુલ્લા છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શિક્ષિત અને દિક્ષિત તેમજ સંગઠિત બની રહ્યો છે ત્યારે સમાજને અભિનંદન પાઠવું છું.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમારી સરકારનો એક મંત્ર છે કે અયોઘ્યામાં રામ, ખેડુતોને દામ, યુવાનોને કામ અને ભ્રષ્ટાચારીઓને લગામ. તેઓએ ઉમેર્યું હતું કે, આ જાડી ચામડીવાળા લોકોની સરકાર નથી, આ સંવેદનશીલ સરકાર છે. કોઈ માણસ એમ ન સમજે કે અહીં કાયદાનું શાસન નથી અહીં કાયદાનું જ શાસન છે. ભુતકાળમાં દાદાઓના નામે ઈલાકા હતા. અમદાવાદ લતીફનું ગણાતું. સુરત મહંમદ સુરતીનું ગણાતું. કચ્છ ઈભલા શેખનું ગણાતું અને પોરબંદર સંતોકબેનનું ગણાતું હવે એ દિવસો પુરા થયા છે. આ ગાંધીનું ગુજરાત છે જે ઈલાકાથી નહીં કાયદાથી ચાલે છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકોને બિરદાવી તેઓએ કહ્યું કે, આ સંમેલન તમામ સમાજને નવી દિશા આપી રહ્યું છે. સમાજ પોતાની મહેનત અને સાહસિકતાથી આગળ વઘ્યો છે. તેમણે ઘ્વંશની નહીં પણ નિર્માણની માનસિકતા રાખી છે અને બાપ-દાદાની કલા કારીગરી જાળવી રાખી છે.
મહાસંમેલનમાં જુનાગઢના શેરનાથબાપુ, નેસડીના રવજીબાપુ તેમજ શાસ્ત્રી યજ્ઞેશભાઈ ઓઝાએ પ્રવચન આપ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ, પૂર્વમંત્રી બાબુભાઈ શાહ, બાવકુભાઈ ઉધાડ, ડો.કાનાબાર, હિરેનભાઈ હિરપરા, પી.પી.સોજીત્રા અને અશ્વિનભાઈ સાવલીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સતાધાર મુદ્દે ઉભો થયેલો વિવાદ વ્યકિતગત મંતવ્ય છે: ભરતભાઈ ટાંક
અમરેલી ખાતેના ભગીરથ મહાસંમેલનના આયોજક ભરતભાઈ ટાંકે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમરેલી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ગુજરાત અને ભારતભરમાં વસતા જ્ઞાતીજનો માટે ભગીરથ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સતાધારના સંતો-મહંતો અને આજુબાજુના
વિસ્તારના સંતો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૧૦ ગામોના પ્રતિનિધિ સાથે ૫૪ વર્ષ પહેલા ૧૯૬૪માં આવુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ સેવા, સંગઠન, સમર્પણ અને એકતાનો જ હતો. આ મહાસંમેલન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ઈતિહાસમાં લખાયું છે.
સતાધાર વિવાદ વિશે ભરતભાઈ ટાંકે જણાવ્યું કે, જે કોઈ વિવાદ છે તે પોતાનો વ્યકિતગત મંતવ્ય છે. સતાધાર કડિયા સમાજની તેમજ ૧૮ આલમની ગુરુગાદી છે. આ સંમેલનમાં ૫૦ હજારથી વધુ જ્ઞાતીજનો ઉપસ્થિત રહ્યા છે જે બતાવે છે કે આ મુદ્દે કોઈ વિવાદ નથી.