કુબલીયાપરાના લાપતા તરૂણ આટકોટથી હેમખેમ મળી આવતા અપહૃતના પરિવારને પોલીસથી રાહત મળી પણ પોલીસ ચકરાવે ચડી
રૂખડીયાપરા વિસ્તારની નદીના પટ્ટમાંથી ગત મંગળવારે બલી ચડાવવા જે રીતે માથુ વાઢવામાં આવે તે રીતે કપાયેલું આશરે ૧૩ વર્ષના તરૂણનું માથુ મળી આવતા મૃતકની ઓળખ મેળવવા સમગ્ર શહેરની પોલીસ દ્વારા કવાયાત હાથ ધરાઇ છે ત્યારે કુબલીયાપરાનો તરૂણ ભેદી રીતે લાપતા બન્યાની ઘટના પોલીસના ધ્યાન પર આવતા અપહૃતના પરિવારની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી તે દરમિયાન આટકોટ ખાતેથી તરૂણ હેમખેમ મળી આવ્યા બાદ બે મહિલા સહિત દસ શખ્સોએ પોલીસે માર માર્યાના આક્ષેપ કરતા પોલીસ માટે માથાની તપાસ માથાનો દુ:ખાવો બની ગઇ હોય તેમ ફરી માથાની ઓળખ મેળવનો માથામેળ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
રૂખડીયાપરામાની નદીના પટ્ટમાંથી ગત મંગળવારે સવારે માસુમ બાળકનું વઢાયેલું માથુ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને મૃતકનું ધડ શોધવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. મૃતકના ડીએનએ ટેસ્ટના આધારે મૃતક બાળક હોવાનું અને તે આશરે ૧૩ વર્ષનો હોવાનો અભિપ્રાય આવ્યો તે દરમિયાન જ કુબલીયાપરાના અશોક ઉર્ફે સમોસો મનસુખ રાઠોડ નામનો ૧૩ વર્ષઓ તરૂણ લાપતા હોવાનું ધ્યાને આવતા અશોક ઉર્ફે સમોસાની તાંત્રિક વિધી માટે બલી પરિવારજનોએ ચડાવ્યાની શંકા સાથે આખા પરિવારની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
અશોક ઉર્ફે સમોસાના પરિવારની છેલ્લા ચારેક દિવસથી પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન લાપતા બનેલા અશોક ઉર્ફે સમોસો આટકોટ ખાતેથી હેમખેમ મળી આવતા તેના પરિવારનો પોલીસ સકંજામાંથી છુટકારો થતા રાહત અનુભવી હતી અને પોલીસ માટે મુશ્કેલી વધારી હતી.
પોલીસ મથકેથી છુટકારો થયેલા રાજુ લાખા સોલંકી, ધીરૂ ભરત રાઠોડ, રાજેશ ભરત રાઠોડ, રીના રાજેશ રાઠોડ, અરવિંદ ભગવાન, અજય રમેઓશ રાઠોડ, સાહિલ ગોપાલ, પ્રકાશ મનસુખ અને ભરત જીવાએ પોલીસે પાઇપ અને ધોકાથી માર માર્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. રૂખડીયાપરા નદીમાંથી મળી આવેલું માથુ અશોક ઉર્ફે સમોસાનું ન હોવાથી માથાની ઓળખ મેળવવા પોલીસે ફરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.