એક્ટિવ પેનલે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, સમરસ પેનલને જોઈન્ટ સેક્રેટરી અને લાયબ્રેરી સેક્રેટરી અપક્ષને ફાળે: તમામ ઉમેદવારોને ખુશ કરતો મતદારોનો મિજાજ
રાજકોટ બાર એસોસિએશનની ૨૦૧૯ના વર્ષની ચૂંટણીમાં ૧૪૬૦ વકીલોએ મતદાન કર્યું હતું આ વખતની ચૂંટણીમાં મુખ્યત્વે સમરસ પેનલ અને એકટિવ પેનલ વચ્ચે સીધો જંગ મંડાયો હતો. મોડી સાંજના ચૂંટણી પરિણામ જાહેર થયું હતું જેમાં એક્ટિવ પેનલના બકુલ રાજાણી પ્રમખપદ વિજેતા થતા બારની ચૂંટણીમાં અપસેટ જેવી સ્થિતિ સર્જાય હતી. આ ઉપરાંત ઉપ પ્રમુખના હોદા પર એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજાએ મેદાન માર્યું છે. ચૂંટણી પરિણામોને લઇ વકીલોના એક સમૂહમાં ખુશીની લહેર જોવા મળી હતી. જયારે બારના પરિણામોથી સિનિયર એડવોકેટમાં સોંપો પડી ગયો છે.
બાર એસોસિએશનની ચૂંટણી સુપ્રિમ કોર્ટ અને બાર કાઉન્સિલના ઠરાવ મુજબ આખા રાજ્યમાં એક સાથે યોજવાના આદેશથી વન બાર વન વોટ મુજબ યોજવામાં આવી હતી. પ્રમુખપદ માટે એક, સેક્રેટરીપદ ઉપર બે, મહિલા અનામતમાં એક, લાઇબ્રેરી સેક્રેટરી પર એક, તેમજ કારોબારીમાં બે ઉમેદવારો સ્વતંત્ર રીતે લડી રહ્યા હતા.
આ વખતની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સમરસ પેનલના એસ.કે.વોરા, એકટિવના બકુલ રાજાણી તેમજ હરિસિંહ ગોહિલ, ઉપપ્રમુખ પદ ઉપર સમરસના રાજેશ મહેતા અને એકટિવના સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદ ઉપર સમરસના પરેશ મારૂ, એકટિવના જીજ્ઞેશ જોશી ઉપરાંત બે સ્વતંત્ર વિજય ભટ્ટ અને પ્રણવ પટેલ, જોઇન્ટ સેક્રેટરીમાં સમરસના નિલેશ પટેલ અને એકટિવના વિકાસ શેઠ, ટ્રેઝરર પદ માટે બન્ને પેનલે સમજૂતી કરી અમિત ભગતને બિનહરીફ જાહેર કર્યા હતા. લાઇબ્રેરી સેક્રેટરીમાં સમરસના જે.એફ.રાણા અને સ્વતંત્ર ઉમેદવાર મોનીશ જોષી ચૂંટણી લડી રહ્યા હતા.
કારોબારીમાં એક મહિલા અનામત માટે સમરસ તરફથી રેખાબેન પટેલ અને હષાર્બેન પંડયા સ્વતંત્ર ઉમેદવાર હતા. જયારે અન્ય નવ કારોબારી સભ્યોમાં એકટિવ પેનલમાં જનક પંડયા, તુષાર દવે, વિશાલ જોષી, જયેશ સભાડ, હરેશ પંડયા, વિવેક ધનેશા, મુકેશ ભટ્ટ, ચૈતન્ય સાયાણી અને ઉન્નડ મોહસીન મેદાને હતા . સમરસ પેનલમાં મનીષ આચાર્ય, સંજય પંડયા, સંદીપ જોશી, સુમીત વોરા, નિશાંત જોશી, બાલાભાઇ સેફાતરા, જીતેન્દ્ર પારેખ, પંકજ દોંગા, રીતેષ ટોપીયા અને રાજેશ ચાવડા ચૂંટણી લડી રહ્યા હતા.
આજે સવારથી જ મતદાન માટે સિવલ કોર્ટ બિલ્ડીંગ બહાર સીનયર તેમજ જુનીયર વકીલોની કતારો જોવા મળી હતી.ત્રણ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું જેમાં ૨૧૫૩ મતમાંથી સિનીયર-જુનિયર વકીલો તથા સામાજિક રાજકીય આગેવાનોએ મળી ૬૭ ટકા મતદાન નોંધાયું હતું.
મતદાન પૂરું થયા બાદ મતગણતરીનો પ્રારંભ થયો હતો. પ્રથમ રાઉન્ડથી પરિણામ આવતા જતા મેજર અપસેટ સર્જાય તેવું જણાઈ રહ્યું હતુ. અંતે બારની આ વખતની ચૂંટણીમાં મેજર અપસેટ સર્જાયો હતો પ્રમુખપદ પર સમરસ પેનલના સંજય વોરાને ૬૪૮ જયારે એક્ટિવ પેનલના બકુલ રાજાણીને ૭૦૯ મત મળતા તેમનો ભવ્ય વિજય થયો હતો.ઉપપ્રમુખની બેઠક પર સમરસ પેનલના રાજેશ મહેતાને ૬૪૧ જયારે એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજાને ૬૯૧ મત મળતા તેમને બાજી મારી હતી. સેકરેટરીની પોસ્ટ પર એક્ટિવ પેનલના જીજ્ઞેશ જોશીનો ૬૪૬ મત સાથે વિજય થયો હતો.જોઈન્ટ સ્ક્રેટરીમાં સમરસ પેનલના નિલેશ પટેલની ૬૩૫ મત સાથે જીત થઇ હતી.લાયબ્રેરી સ્ક્રેટરીમાં સ્વતંત્ર ઉમેદવાર મોનિશ જોશીનો વિજય થયો હતો.કારોબારી મહિલા અનામતમાં સમરસ પેનલના રેખાબેન પટેલે જીત મેળવી હતી.
આ ઉપરાંત કારોબારીની ૯ બેઠક પર સમરસ પેનલે સપાટો બોલાવ્યો હતો. જેમાં સમરસ પેનલના નિશાંત જોશી,સુમિત વોરા,જીતેન્દ્ર પારેખ, મનીષ આચાર્ય,પંકજ દોંગા,સંદિપ જોશી,રિતેશ ટોપીયા,સંજય પંડ્યા અને રાજેશ ચાવડા વિજેતા થયા હતા.
બારની ચૂંટણીમાં જ્ઞાતિવાદના સમીકરણો જોવા મળ્યા છે. ચૂંટણીના પરિણામો પ્રથમ રાઉન્ડથી બન્ને પેનલના ઉમેદવારો વચ્ચે નજીવી સરસાય અને રસાકસી જામી હતી.
બાર એસોસીએશનની ચૂંટણીમાં એકટીવ પેનલ દ્વારા મુખ્ય ત્રણ હોદ્દા પર જીત હાંસલ કરી તેની પાછળ જૂનિયર એડવોકેટનું મહેનત અને સિનિયર એડવોકેટોના આશિર્વાદ હોવાનું જ્યારે સમરસ પેનલના સમર્થકો છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જતા તેમજ ભૂતકાળના અનેક મુદ્દાઓને કારણે રાહ ખમવી પડી છે તેવું ચર્ચાય રહ્યું છે.
ઉપરાંત એડવોકેટ રાજભા ગોહિલ સહિતના એડવોકેટોનું માઈક્રો પ્લાનીંગ કરી પચાર-પ્રસાર કરી એકટીવ પેનલને જીતાડવા કરેલી મહેનત રંગ લાવી છે.
એકટીવ પેનલના ચૂંટાયેલા હોદ્દેદારોએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમો આપેલા વચનો પરીપૂર્ણ કરવા અમારી ટીમ પ્રયાસ કરી અને વકીલોના પ્રશ્ર્ને સતત જાગૃત રહેવાનો કોલ આપ્યો છે.