૪૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ૬ શિક્ષકો
હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે છેલ્લા ઘણા સમયથી શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગ્રામજનો દ્વારા અવારનવાર જવાબદાર અધિકારીઓને શિક્ષકોની ઘટ પુરી કરવા રજુઆતો કરાઈ છે પરંતુ રજુઆતો બેહરા કાને અથડાઈને પાછી આવતી હોય તેમ આજદિન સુધી શિક્ષકોની ઘટ પુરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે તાત્કાલીક ધોરણે શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ લેખિત રજુઆત કરી છે.
રાજય સરકાર દ્વારા સૌ ભણે, સૌ આગળ વધે તેમજ દર વર્ષે પ્રવેશોત્સવના મોટા મોટા તાયફાઓ કરવામાં આવતા હોય છે પરંતુ શાળામાં શિક્ષક હોય તો વિદ્યાર્થીઓ ભણે અને શિક્ષકોની ભરતી કરાય તો ખરા અર્થમાં આ સ્લોગન સાર્થક થયું ગણાશે.
પરંતુ આજે પણ હળવદ તાલુકાની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં કે જયાં શિક્ષકોનો દુકાળ જાવા મળી રહયો છે. ત્યારે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે આવેલ પ્રાથમિક શાળામાં ૪૦૦થી વધુ બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે જેની સામે આચાર્ય સહિત માત્ર ૬ જ શિક્ષકો છે.
જેમાં શિક્ષકોની ઘટ પુરી કરવા નવીનભાઈ સોલંકી, ભરતભાઈ જાદવ, જગમાલસિંહ સોલંકી, યોગેશભાઈ ગોસ્વામી ગોગજીભાઈ પરમાર, મુનાભાઈ ભરવાડ સહિતના ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજુઆત કરી વહેલી તકે શાળામાં શિક્ષકોની ઘટ પુરી કરવા લેખિતમાં રજુઆત કરાઈ છે.