સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં બાળકોમાં થતાં ઘાતક રોગો જેવા કે, બાળ લકવા, ટીબી, ધનુર, ડીપ્થેરીયા (ઘટ સર્પ), મોટી ઉધરસ (ઉટાટીયું), ઓરી, ઝેરી કમળા, ન્યુમોનીયા તથા મગજનો સોજો વિગેરે સામે રક્ષણ મેળવવા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

પરીણામ સ્વરૃપે સમગ્ર ભારત દેશમાં શીતળાની જેમ પોલીયોનો રોગ સંપૂર્ણ નાબૂદીના આરે છે, જયારે અન્ય રોગોનું પ્રમાણ તેમજ તેનાથી થતા મરણના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલમાં ચાલતા રસીકરણ કાર્યક્રમ ઉપરાંત મીશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ હેઠળ દૂર-દરાજના વિસ્તારોમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

રસીકરણમાં આવા બાકી બે વર્ષ સુધીના બાળકો તેમજ સગર્ભા મહિલા માટે રસીકરણથી આવરી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ મીશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અન્વયે આગામી ૨૨ ડિસેમ્બરથી એક સપ્તાહ દરમ્યાન બાકી રહેતા બાળકો તથા સર્ગભા માતાને તમામ પ્રકારની રસીકરણથી સંપૂર્ણપણે રક્ષિત કરવામાં આવશે. આ રસીકરણ કામગીરી આરોગ્ય કાર્યકરની ટીમ દ્વારા નોંધાયેલા ગામના વાડી વિસ્તારમાં કરવામાં આવશે.તમામ લોકોના સાથા સહકાર મળી રહે અને એક પણ બાળક કોઇ પણ પ્રકારની રસીથી વંચીત ન રહે તે માટે પ્રજાના પ્રતિનિધિઓનો સહકાર મેળવી જિલ્લાના છુટાછવાયા વિસ્તાર જેવા કે, વાડી વિસ્તારના મજૂરો, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ઇંટોના ભઠ્ઠા, માછીમારો તથા અન્ય માઇગ્રન્ટ વસ્તીના બાળકો તેમજ હાઇરિસ્ક વિસ્તારના બાળકો ઉપર પૂરતું ધ્યાન આપી રક્ષિત કરવા અનુરોધ છે.આ મીશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ સપ્તાહમાં આરોગ્ય સ્ટાફ, આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર તથા બાળકોના વાલીઓના સહકારથી રસીકરણ સપ્તાહમાં સફળતા મેળવી બાળકોને રક્ષિત કરવામાં આવે તથા આવી સોનેરી તક ઉપરોક્ત દિવસો દરમ્યાન ઝડપી લઇ, આપના વિસ્તારના કે આપના અરક્ષિત કે અર્ધરક્ષિત બાળકને રક્ષિત કરી બાળ મરણ કે માંદગીના પ્રમાણમાં ઘટાડો કરવાના પ્રયાસમાં સંપૂર્ણ સહકાર આપવા ફરીથી અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે નજકીના આરોગ્ય કાર્યકર, આશા વર્કર કે મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. જે.એ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.