ક્રિસમસના તહેવાનો અને નવા વર્ષની ઉજવણી શરૂ થવાની છે. આ ઉજવણી માટે તમે પણ કોઈ પ્લાનિંગ કરી રાખ્યું હશે, પરંતુ આ પ્લાનિંગ પર પાણી ન ફરી વળે તે માટે તમારે પહેલેથી જ બધા બેન્કના કામ પતાવી દેવા જોઈએ અને હાથમાં થોડી કેશ રાખવી જોઈએ. કારણકે 21થી 26 ડિસેમ્બર દરમિયાન 5 દિવસ સુધી સરકારી બેન્કો બંધ રહેવાની છે. તેથી એટીએમમાં કેશની અછત આવી શકે છે. આ સંજોગોમાં બેન્કના કોઈ જરૂરી કામ હોય તો તે આજે એટલે કે ગુરુવારે જ પતાવી દેવા જોઈએ.
21 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરે સરકારી બેન્ક કર્મચારીઓ હડતાળ પર છે. તે સિવાય સરકારી અને પ્રાઈવેટ બેન્કો 22 અને 23 ડિસેમ્બર ચોથો શનિવાર અને રવિવાર હોવાથી બંધ છે. જ્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા આવે છે. જોકે આ દરમિયાન 24 ડિસેમ્બરે પ્રાઈવેટ બેન્કોના કામકાજ થશે.
અમુક બેન્ક ઓફિસર્સ યૂનિયન દ્વારા 21 ડિસેમ્બરે બેન્ક હડતાળની જાહેરાત કરી છે. જ્યારે 11મા દ્વિપક્ષીય વેતન સંશોધન ચર્ચા માટે કોઈ પણ શરત વગર આદેશપત્ર જાહેર કરવાની માંગણી સાથે યૂનાઈડેટ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ (UFBU)દ્વારા 26 ડિસેમ્બરે હડતાળની જાહેરાત કરી છે.